દેશમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે, પરંતુ વિદાય લેતાં પહેલાં આગામી બે દિવસ દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 અને 7 ઓક્ટોબરે દિલ્હી, પંજાબ અને હરિયાણામાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં 5થી 7 ઓક્ટોબર દરમિયાન ભારે પવન સાથે સારો વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં પણ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.
પૂર્વોત્તરના આસામ, મેઘાલય, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પણ ચોમાસાની અસર ચાલુ રહેશે. બીજી તરફ, ઓક્ટોબરના બીજા સપ્તાહ દરમિયાન ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લેવાની શક્યતા છે.
આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ભારતના તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં પોસ્ટ મોનસૂન વરસાદ સામાન્ય રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.








