શ્રીરામના રોલ માટે રણબીરે કરી આકરી મહેનત

રણબીર કપૂરના જન્મદિવસે ‘રામાયણ’નો BTS વીડિયો રિલીઝ, શ્રીરામના પાત્ર માટેની ખાસ તૈયારીની ઝલક

અભિનેતા રણબીર કપૂરના જન્મદિવસે ફિલ્મ ‘રામાયણ’ના મેકર્સે ખાસ BTS વીડિયો રિલીઝ કર્યો છે. વીડિયોમાં રણબીરના શ્રીરામના પાત્રના લુક સાથે આ પાત્ર માટે તેણે કરેલી આકરી મહેનત અને તાલીમની ઝલક જોવા મળે છે.

રણબીરે જણાવ્યું કે શ્રીરામનું પાત્ર ભજવવું તેના માટે માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ મોટી જવાબદારી છે, કારણ કે કરોડો લોકોની આસ્થા આ પાત્ર સાથે જોડાયેલી છે. નિર્દેશક નિતેશ તિવારીએ પણ શ્રીરામના પાત્ર માટે યોગ્ય કલાકારની પસંદગીના મહત્વ અંગે વાત કરી છે.

BTS વીડિયોમાં અરુણ ગોવિલ, સાઈ પલ્લવી અને રવિ દુબે પણ જોવા મળે છે. ફિલ્મના એક્શન અને યુદ્ધના દૃશ્યો માટે રણબીરને હોલીવુડના એક્શન ડિરેક્ટર ટેરી નોટરી દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી છે.

પ્રોડ્યુસર નામિત મલ્હોત્રાએ આ મેગા પ્રોજેક્ટ માટે દેશ-વિદેશના અનુભવી ટેકનિશિયનોની ટીમ તૈયાર કરી છે. વીડિયોમાં ફિલ્મના શૂટિંગ, રણબીરના શારીરિક પરિવર્તન અને ભવ્ય દૃશ્યોના નિર્માણની ઝલક પણ જોવા મળે છે.

‘રામાયણ’ બે ભાગમાં રિલીઝ થશે. ‘રામાયણ: પાર્ટ 1’ દિવાળી 2026 અને ‘રામાયણ: પાર્ટ 2’ દિવાળી 2027માં વિશ્વભરમાં IMAX ફોર્મેટમાં રિલીઝ થવાની છે.

Leave a Comment