મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરીની અનોખી રીતનો પર્દાફાશ, રૂ.14.81 કરોડનું સોનું જપ્ત

મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈએ સોનાની દાણચોરીના એક અનોખા કેસનો પર્દાફાશ કર્યો છે. મુંબઈ ઝોનલ યુનિટે ગુપ્ત માહિતીના આધારે દુબઈથી આવેલા ત્રણ ભારતીય મુસાફરોને ઝડપી તેમની પાસેથી રૂ.14.81 કરોડની કિંમતનું 9.40 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું છે.

દાણચોરોએ સોનું છુપાવવા માટે તેને બારીક પાવડરમાં ફેરવી નાખ્યું હતું. ત્યારબાદ આ સોનાના પાવડરને મિલ્ક પાવડર, ઓટ્સ, વિવિધ પ્રકારના લોટ, ન્યુટેલા અને નારિયેળના દૂધના પાવડર જેવા દેખાતા ખાદ્ય પદાર્થોમાં ભેળવી પેકેટમાં રાખવામાં આવ્યું હતું.

23 સપ્ટેમ્બરે મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી ડીઆરઆઈએ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્રણેય મુસાફરો પાસેથી કુલ આશરે 33.50 કિલો જેટલા ફૂડ પેકેટ્સ મળી આવ્યા હતા. તપાસમાં આ પેકેટ્સમાં સોનાનો પાવડર છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

પૂછપરછ દરમિયાન ત્રણેય મુસાફરોએ તેઓ સોનાની દાણચોરી કરતી ગેંગ માટે કામ કરતા હોવાનું કબૂલ્યું હોવાનું ડીઆરઆઈએ જણાવ્યું છે. અધિકારીઓએ સોનું જપ્ત કરી ત્રણેય સામે કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર દાણચોરીના નેટવર્ક તથા તેમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें