નેટ વગર પણ ચાલશે ડિજિટલ રૂપિયો, RBI બ્લૂટૂથ અને NFCથી ઓફલાઈન પેમેન્ટ પર કામ કરી રહી

ઇન્ટરનેટ કે મોબાઇલ નેટવર્ક નબળું હોય ત્યારે ડિજિટલ પેમેન્ટમાં પડતી મુશ્કેલી દૂર કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ડિજિટલ રૂપિયાથી ઓફલાઈન ચુકવણીની શક્યતાઓ પર કામ કરી રહી છે. આ માટે બ્લૂટૂથ અને NFC જેવી ટેક્નોલોજી આધારિત વિકલ્પોની ચકાસણી કરવામાં આવી રહી છે.

RBIનો હેતુ એવા વિસ્તારોમાં પણ ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે, જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ ન હોય અથવા ખૂબ જ નબળી હોય. હાલમાં અલગ-અલગ ટેક્નિકલ મોડલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમાં કેટલાક વિકલ્પોમાં ટેલિકોમ કનેક્ટિવિટીની જરૂર પડી શકે છે, જ્યારે NFC આધારિત વ્યવસ્થામાં નજીક રહેલા બે ડિવાઇસ વચ્ચે સીધી લેવડદેવડ કરવાની શક્યતા ચકાસાઈ રહી છે.

ડિજિટલ રૂપિયા અને UPIમાં શું તફાવત?

ડિજિટલ રૂપિયા RBI દ્વારા જારી કરવામાં આવતી ડિજિટલ કરન્સી છે, જેને ડિજિટલ વોલેટમાં રાખી શકાય છે. તેના દ્વારા વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી દુકાનદાર સુધી ચુકવણી કરી શકાય છે. બીજી તરફ UPI મુખ્યત્વે બેંક ખાતાઓ વચ્ચે ડિજિટલ પેમેન્ટ માટેનું માળખું છે.

અગાઉથી ઓફલાઈન પેમેન્ટની સુવિધા

RBIએ 2022માં કાર્ડ, વોલેટ અને મોબાઇલ ડિવાઇસ દ્વારા મર્યાદિત ઓફલાઈન પેમેન્ટ માટે માળખું જાહેર કર્યું હતું. આ વ્યવસ્થામાં નજીકના અંતરે બે ઉપકરણો વચ્ચે ચુકવણી થઈ શકે છે. ત્યારબાદ UPI Lite X દ્વારા NFC આધારિત ઓફલાઈન પેમેન્ટની સુવિધા પણ વિકસાવવામાં આવી હતી.

સામાન્ય લોકો માટે હજુ લોન્ચ નથી

RBIના જણાવ્યા મુજબ ડિજિટલ રૂપિયાથી ઇન્ટરનેટ વગર મોટા પાયે પેમેન્ટ કરવાની સુવિધા હજુ સામાન્ય લોકો માટે શરૂ કરવામાં આવી નથી. હાલમાં ટેક્નિકલ વિકલ્પોનું પરીક્ષણ ચાલી રહ્યું છે. તેથી અંતિમ ટેક્નોલોજી, ટ્રાન્ઝેક્શનની મર્યાદા, સુરક્ષા વ્યવસ્થા અને આ સુવિધા ક્યારે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે તેની સત્તાવાર તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

ડિજિટલ રૂપિયાનો પાઇલટ પ્રોજેક્ટ ચાલુ

RBIનો ડિજિટલ રૂપિયો હાલમાં રિટેલ અને હોલસેલ બંને ક્ષેત્રમાં પાઇલટ તબક્કામાં છે. ઈ-રૂપિયાને બેંકો અને બિન-બેંકિંગ સંસ્થાઓના ડિજિટલ વોલેટમાં રાખી શકાય છે અને તેનો ઉપયોગ વ્યક્તિ-થી-વ્યક્તિ તેમજ વ્યક્તિ-થી-દુકાનદાર ચુકવણી માટે થઈ શકે છે. ઈ-રૂપિયાના વોલેટમાં મિનિમમ બેલેન્સ રાખવાની ફરજ નથી અને તેના ઉપયોગ માટે અલગથી કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી.

Leave a Comment

और पढ़ें