રાજકોટ સહિત રાજ્યમાં ખેડૂતોની જમીન પડાવી લેવાનું કૌભાંડ ઝડપાયું, 32 ખેડૂતોના 7/12 સહિત દસ્તાવેજો કબજે

રાજકોટ રૂરલ પોલીસે લોન આપવાના બહાને ખેડૂતોની જમીન પડાવી લેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મની પ્લસ પેઢી સાથે સંકળાયેલા અલ્પેશ દોંગા અને તેના સાગરીતો દ્વારા ‘બાલાજી લોન’, ‘ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ’ અને અન્ય નામે ખેડૂતોને લોનની લાલચ આપી જમીનના દસ્તાવેજો મેળવવામાં આવતા હોવાનો પોલીસનો દાવો છે.

પડધરીના સરપદડ ગામના એક યુવાનને રૂ.5.50 લાખની લોન આપવાના બહાને આશરે 9 વીઘા જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લેવાયો હતો. ત્યારબાદ વ્યાજ સહિત કુલ રૂ.1.07 કરોડની રકમ વસૂલવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીન સ્ટાર બિલ્ડિંગની ઓફિસમાં દરોડો પાડતાં 14 મોબાઇલ ફોન, કમ્પ્યુટર, વાઇ-ફાઇ રાઉટર, સીમકાર્ડ, ડાયરીઓ અને કોલિંગની વિગતો મળી આવી હતી. ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા સહિત 8 જિલ્લાના આશરે 32 જમીન માલિકોના 7/12 ઉતારા, 8-અ, હક્કપત્રક, બોજા પત્રક અને ઓળખના દસ્તાવેજોની નકલો મળી આવી હતી.

તપાસમાં અલગ-અલગ વ્યક્તિઓના સહીવાળા કોરા ચેક, સાટાખતના દસ્તાવેજો, ખેડૂતોના મોબાઇલ નંબરોની યાદી તથા લોન માટેની વાતચીતની નોંધ પણ મળી હોવાનું પોલીસે જણાવ્યું છે. ઓફિસમાં 14 મહિલા કર્મચારીઓ કોલિંગનું કામ કરતી મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ કર્મચારીઓને ખેડૂતોના મોબાઇલ નંબર અને વાતચીતની ‘સ્ક્રિપ્ટ’ આપવામાં આવતી હતી.

આ ટોળકી ‘બાલાજી લોન’ અથવા ‘ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ’ના નામે ખેડૂતોને ફોન કરી ખેતીની જમીન પર લોન આપવાની વાત કરતી હતી. ત્યારબાદ લોન માટે ‘સાટાખત’ કરાવવાના બહાને જમીનના દસ્તાવેજો કરાવી લેવાતા હોવાનો પોલીસનો દાવો છે. ‘શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ’ના નામે પણ ખેતીની જમીન અને મકાન પર લોન આપવાની જાહેરાતો મળી આવી છે.

પોલીસે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી ઓફિસમાં પણ તપાસ કરતાં મોબાઇલ ફોન, સીમકાર્ડ, સહીવાળા કોરા ચેક, ડાયરીઓ, જમીનના 7/12 ઉતારા અને અન્ય દસ્તાવેજો કબજે કર્યા છે. ‘Trust’ નામના વોટ્સએપ ગ્રુપમાં કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવતી હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી છે. હવે મોબાઇલ, કમ્પ્યુટર અને વોટ્સએપ ગ્રુપના ડેટાનું સાયબર નિષ્ણાતો દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે.

પોલીસ દ્વારા કબજે કરાયેલા 7/12 અને અન્ય દસ્તાવેજોના આધારે સંબંધિત ખેડૂતોનો સંપર્ક કરી તેઓ પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આરોપીઓ પાસે નાણાં ધીરધારનું માન્ય લાયસન્સ હતું કે નહીં, બેંક ખાતાઓમાં થયેલા વ્યવહારો તથા જમીનના દસ્તાવેજોના આધારે નાણાંકીય લેવડદેવડની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી અલ્પેશ દોંગા વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે. રાજકોટ રૂરલ પોલીસની સાથે શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ આગળ વધારવામાં આવી છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે ગુજસીટોક હેઠળની કાર્યવાહી અંગે પણ તજવીજ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસે ખેડૂતોને અપીલ કરી છે કે ‘બાલાજી લોન’, ‘ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ’, ‘શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ’ અથવા ‘પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ’ના નામે લોન માટે કોઈ સંપર્ક થયો હોય અથવા જમીન-લોનના વ્યવહારમાં છેતરપિંડી થઈ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવો. પોલીસે ખાસ ચેતવણી આપી છે કે લોન માટે ક્યારેય જમીનનો વેચાણ દસ્તાવેજ કે સાટાખત કર્યા વિના અને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં કોઈ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેનું લખાણ સમજી લેવું જરૂરી છે.

Leave a Comment

और पढ़ें