કાંગોમાં ભયાનક વિમાન દુર્ઘટના: બે ટોચના જનરલ સહિત 14નાં મોત

આફ્રિકન દેશ કાંગોમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ-પશ્ચિમ શહેર કિક્વિટથી રાજધાની કિંશાસા તરફ જઈ રહેલું વિમાન ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાયા બાદ કેંગે વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના બાદ તેમાં આગ લાગી ગઈ હતી અને તેમાં સવાર તમામ 14 લોકોનાં મોત થયા હતા.

મૃતકોમાં કાંગોની સૈન્ય અદાલતના વડા લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કટાલાયી તિએન્ડે અને સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયા સહિત બે ટોચના સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. સેનાના પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેંગે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે બંને જનરલ ઉપરાંત પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો અને ક્રૂ મેમ્બર્સ પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોમાં સામેલ છે.

વિમાન ક્રેશ થયા બાદ સ્થાનિક બચાવ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, દુર્ઘટના એટલી ગંભીર હતી કે કોઈ પણ વ્યક્તિને બચાવી શકાયી નહોતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જોકે, દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ અને સૈન્ય અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ વિમાનમાં કઈ પ્રકારની ખામી સર્જાઈ હતી અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે સ્પષ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે કાંગોની સેના છેલ્લા એક વર્ષથી દેશના પૂર્વીય વિસ્તારમાં સશસ્ત્ર વિદ્રોહી જૂથો સામે કાર્યવાહી કરી રહી છે. જોકે, સૈન્ય અધિકારીઓના પ્રાથમિક નિવેદન મુજબ આ વિમાન દુર્ઘટનાને કોઈ સૈન્ય સંઘર્ષ કે હુમલા સાથે જોડવામાં આવી રહી નથી અને હાલ તેને ટેકનિકલ ખામીને કારણે થયેલો અકસ્માત માનવામાં આવી રહ્યો છે.

Leave a Comment

और पढ़ें