સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલનઃ આખું ગામ કાટમાળમાં ફેરવાયું

સિક્કિમના રિંબી ગામમાં મોડી રાત્રે અચાનક પડેલા ભારે વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. વરસાદના કારણે પહાડનો મોટો હિસ્સો ધસી પડતાં અનેક રહેણાક મકાનો, સરકારી ક્વાર્ટર અને દુકાનો કાટમાળની લપેટમાં આવી ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

યુક્સોમ-તાશીડિંગ વિધાનસભા મતવિસ્તારમાં આવેલા રિંબી ગામમાં ભૂસ્ખલન એટલું ઝડપથી થયું કે સ્થાનિકોને સંભાળવાનો સમય પણ મળ્યો નહોતો. ભૂસ્ખલન બાદ રસ્તાઓ અને રહેણાક વિસ્તારોમાં કાટમાળ ફરી વળ્યો હતો. અનેક મિલકતોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે વરસાદ અને કાટમાળ વચ્ચે મુશ્કેલ પરિસ્થિતિમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 128 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રેસ્ક્યૂ કામગીરીમાં સ્થાનિક લોકો પણ બચાવ ટીમોને મદદ કરી રહ્યા છે.

હાલમાં પણ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત્ હોવાથી વધુ ભૂસ્ખલનનો ભય સેવાઈ રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને જોખમી વિસ્તારો અને ભૂસ્ખલનગ્રસ્ત સ્થળોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને નુકસાનનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Comment

और पढ़ें