તેલંગાણામાં ACBના દરોડા: લાંચખોર DSPના સહયોગીના ઘરેથી ₹1.35 કરોડ રોકડા મળ્યા

તેલંગાણામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિના મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સસ્પેન્ડેડ DSP ભીમ રેડ્ડી અને તેમના નજીકના સહયોગીઓ સાથે જોડાયેલા હૈદરાબાદ તથા ઝહીરાબાદના કુલ 10 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ACBને મોટી માત્રામાં રોકડ, વિદેશી ચલણ, દસ્તાવેજો અને અન્ય કિંમતી સંપત્તિ મળી હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન ભીમ રેડ્ડીના નજીકના સહયોગી બોમ્મા વેંકટેશના ઘરેથી ₹1.35 કરોડ રોકડા, વિદેશી ચલણ અને આશરે 14 લીટર વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો જપ્ત કર્યા બાદ વધુ કાયદેસરની કાર્યવાહી માટે એક્સાઇઝ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત તપાસમાં કરોડોની કિંમતનો લક્ઝરી વિલા અને અન્ય કિંમતી સામાન પણ મળી આવ્યો હોવાનું ACBએ જણાવ્યું છે.

નોંધનીય છે કે જુલાઈ મહિનામાં ACBએ DSP ભીમ રેડ્ડીની ધરપકડ કરી હતી. તે સમયે તેમના સાથે જોડાયેલા 16 સ્થળો પર પાડવામાં આવેલા દરોડામાં આશરે ₹300 કરોડની બેનામી સંપત્તિ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તપાસમાં 50 એકરથી વધુ જમીન, ફ્લેટ, સોનું, લક્ઝરી પ્રોપર્ટી સહિતની સંપત્તિ સામે આવી હતી.

હવે આ સમગ્ર મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ સક્રિય થયું છે અને કથિત ગેરકાયદેસર સંપત્તિ તથા નાણાંના વ્યવહારો અંગે મની લોન્ડરિંગના એંગલથી તપાસ આગળ ધપાવી રહ્યું છે.

Leave a Comment

और पढ़ें