કુવાડવા રોડ પર દારૂના જથ્થા પર ક્રાઈમ બ્રાન્ચનો દરોડો

ઓડી શો-રૂમ સામેની દુકાનમાંથી 1,392 બોટલ ઝડપાઈ, કારખાનેદારની ધરપકડ; ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

રાજકોટઃ કુવાડવા રોડ પર ઓડીના શો-રૂમ સામે આવેલા સદગુરુ એસ્ટેટમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી દારૂના મોટા જથ્થા સાથે એક કારખાનેદારને ઝડપી લીધો છે. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની 1,392 બોટલ દારૂ કબજે કરી છે. બાઈક સહિત કુલ ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સદગુરુ એસ્ટેટની દુકાન નં. 13માં દરોડો પાડ્યો હતો. અહીંથી **લાલજી ઉર્ફે લાલો જગદીશ ડાભી (33)**ને ઝડપી લેવાયો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત આશરે ₹4.44 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે લાલો ઇમિટેશનની ભઠ્ઠી અને કારખાનું ચલાવતો હતો. તેણે પરષોતમ ઉર્ફે ગુગા જાદવ કુમારખાણીયા સાથે મળીને દુકાન ભાડે રાખી હતી. બંનેએ ચાર દિવસ પહેલાં દારૂનો મોટો જથ્થો મંગાવી છૂટકમાં વેચાણ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે.

દરોડા દરમિયાન લાલો ઝડપાઈ ગયો હતો, જ્યારે પરષોતમ ઉર્ફે ગુગા ફરાર થઈ ગયો છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. બંને સામે અગાઉ પણ દારૂ સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Leave a Comment