મક્કાને નિશાન બનાવવાનો ડ્રોન હુમલો નિષ્ફળ, પહેલીવાર એર સ્ટ્રાઈક સાયરનથી ઈમરજન્સી એલર્ટ

સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુથી બળવાખોરોએ ઈસ્લામના પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવી ડ્રોન લોન્ચ કર્યું હતું. જોકે, સાઉદી એર ડિફેન્સે ડ્રોનને મક્કાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે તે પહેલાં જ તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે.

ઘટના બાદ મક્કા, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટ જાહેર કરાયું હતું. અહેવાલ મુજબ, મક્કામાં પહેલીવાર હવાઈ હુમલા અંગે સાયરન વગાડવામાં આવ્યું અને લોકોને ઊંચી ઇમારતો તથા ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી.

સાઉદી ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-માલિકીના જણાવ્યા મુજબ, રોયલ સાઉદી એર ડિફેન્સ ફોર્સિસે ડ્રોનને સમયસર આંતરીને નષ્ટ કર્યું હતું. બીજી તરફ, હુથી અધિકારીઓએ મક્કાને નિશાન બનાવવાના સાઉદી અરબના દાવાને પાયાવિહોણો અને ખોટો ગણાવ્યો છે.

આ ઘટનાની મુસ્લિમ દેશોના સંગઠન OIC દ્વારા પણ ટીકા કરવામાં આવી છે. સાઉદી ગઠબંધને પવિત્ર સ્થળો અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને પોતાની ‘રેડ લાઇન’ ગણાવી છે.

સાઉદી ગઠબંધનના દાવા મુજબ, 2017માં પણ મક્કા તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી, જેને સાઉદી સેનાએ હવામાં જ નિષ્ફળ બનાવી હતી.

Leave a Comment

और पढ़ें