હુથી હુમલાના ભય વચ્ચે સાઉદી અરેબિયાના 6 શહેરોમાં હાઈ એલર્ટ

ખમીસ મુશૈત એરબેઝ પર મિસાઈલ હુમલામાં 13 લોકો ઘાયલ: તાઈફ, અબહા, જાજાન સહિતના શહેરોમાં નાગરિકોને સાવચેત રહેવા સૂચના

રિયાધઃ ઈરાન સમર્થિત હુથી સંગઠનના વધતા હુમલાઓને પગલે સાઉદી અરેબિયામાં સુરક્ષાની ચિંતા વધી છે. રેડ-સી વિસ્તારમાં સાઉદીની ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે હુમલાની ઘટના બાદ હવે અબહા સહિત છ શહેરોમાં ડ્રોન અને મિસાઈલ હુમલાના એલર્ટને પગલે નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

સાઉદી અરેબિયાના નાગરિક સુરક્ષા વિભાગે તાઈફ, જોશ, અબહા, અલ-ઉલા, જાજાન અને યાનબૂના લોકોને સતત સતર્ક રહેવા અપીલ કરી છે. સોમવારે હુથી સંગઠન દ્વારા કરવામાં આવેલા હુમલામાં 13 લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે.

કિંગ ખાલિદ એરબેઝ પર એક ડઝન મિસાઈલ

હુથી સંગઠને દક્ષિણ સાઉદી અરેબિયાના ખમીસ મુશૈત સ્થિત કિંગ ખાલિદ એરબેઝને નિશાન બનાવીને લગભગ એક ડઝન મિસાઈલો દાગી હતી. આ પૈકી કેટલીક મિસાઈલો નાગરિક વિસ્તારમાં ખાબકતાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

હુમલામાં એરબેઝના રડાર અને હેંગર ઉપરાંત રનવે તથા ગોળા-બારૂદના મથકોને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે. બીજી તરફ, રેડ-સી વિસ્તારમાં હુથી સંગઠને પોતાની પકડ વધુ મજબૂત કરી હોવાને કારણે સાઉદી અરેબિયાની ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા પણ પડકારરૂપ બની છે.

Leave a Comment