દિવાળી-છઠ્ઠ માટે વધેલા ટ્રાફિકથી મુશ્કેલી: ડિસેમ્બરથી બુકિંગનો અનુભવ સુધરવાની આશા
નવી દિલ્હી: દિવાળી અને છઠ્ઠ પર્વ દરમિયાન ઘરે જવા માટે ટ્રેન ટિકિટ બુક કરાવતા મુસાફરોને IRCTCની વેબસાઈટ પર અનેક ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટિકિટ બુકિંગ દરમિયાન પેજ હેંગ થઈ જવું, પેમેન્ટ ફેલ થવું અને અચાનક વેબસાઈટમાંથી એક્ઝિટ થઈ જવા જેવી ફરિયાદો સામે આવી રહી છે.
મળતી માહિતી મુજબ, હાલના પીક અવર્સ દરમિયાન વેબસાઈટ પર ટ્રાફિક વધવાથી આવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. જોકે, ડિસેમ્બરથી ટિકિટ બુકિંગનો અનુભવ વધુ ઝડપી અને સરળ બનાવવાની તૈયારી ચાલી રહી છે. નવી વ્યવસ્થા બાદ ફ્લાઈટ ટિકિટની જેમ ઉપલબ્ધ સીટ હોય તો ગણતરીની સેકન્ડમાં ટ્રેન ટિકિટ બુક થઈ શકશે.
બેકએન્ડ કનેક્ટિવિટી મજબૂત કરવાની કામગીરી
IRCTCની નવી વેબસાઈટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ બીટા વર્ઝનમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ સામે આવી રહી છે. તેને દૂર કરવા માટે બેકએન્ડ કનેક્ટિવિટી મજબૂત કરવાની કામગીરી મોટા પાયે ચાલી રહી છે.
આ કામગીરી નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની આશા છે. ત્યારબાદ ડિસેમ્બરથી વેબસાઈટની વધેલા લોડને સંભાળવાની ક્ષમતા વધશે. પરિણામે પેજ હેંગ થવું, પેમેન્ટ દરમિયાન વેબસાઈટમાંથી બહાર નીકળી જવું જેવી સમસ્યાઓમાં ઘટાડો થવાની શક્યતા છે.
રોજના કરોડો લોગિન, તહેવારોમાં ટ્રાફિક વધ્યો
હાલ IRCTCની વેબસાઈટ પર દરરોજ અંદાજે દોઢ કરોડથી પોણા બે કરોડથી વધુ લોગિન થઈ રહ્યા છે. તહેવારો દરમિયાન ટ્રેનોની સીટોની માંગ વધતાં વેબસાઈટ પર ટ્રાફિકમાં પણ મોટો વધારો થાય છે. 7 સપ્ટેમ્બરે એક જ દિવસમાં વેબસાઈટ પરથી 20 લાખથી વધુ ટિકિટ બુક થઈ હતી.
ખાસ કરીને છઠ્ઠ પર્વને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ સીટો ઝડપથી ભરાઈ રહી છે. રેલવે દ્વારા તહેવારો માટે કેટલીક સ્પેશ્યલ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે.
આવનારા દિવસોમાં વધુ ફેસ્ટિવ સ્પેશ્યલ ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. તેનાથી મુસાફરોને વધારાના વિકલ્પો મળશે અને IRCTCની વેબસાઈટ પરનું ભારણ પણ ઘટવાની આશા છે. નવી વ્યવસ્થા સંપૂર્ણ રીતે અમલમાં આવ્યા બાદ સીટ ઉપલબ્ધ હશે તો ટિકિટ ગણતરીની સેકન્ડમાં બુક થઈ શકશે, જ્યારે સીટ ઉપલબ્ધ ન હોય તો ‘Not Available’નો સંદેશ દર્શાવવામાં આવશે.









