ભારત મંડપમ : BRICS સમિટ નિમિત્તે ભારતની ગ્લોબલ યજમાનીની નવી ઓળખ

બહારથી અંદર સુધી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની ઝલક : શંખ આકારની ઈમારતથી 27 ફૂટ ઊંચી નટરાજ પ્રતિમા સુધી અનેક વિશેષતાઓ

નવી દિલ્હી : BRICS 2026 સમિટની યજમાની ભારત કરી રહ્યું છે અને દેશ-વિદેશના નેતાઓ માટે નવી દિલ્હીમાં આવેલું ભારત મંડપમ મુખ્ય કેન્દ્ર બન્યું છે. વિશ્વના હાઈ-પ્રોફાઈલ નેતાઓ જ્યાં મહત્વપૂર્ણ બેઠકો કરી રહ્યા છે તે ભારત મંડપમ આશરે 123 એકર વિસ્તારમાં ફેલાયેલું વિશાળ પરિસર છે.

આ અત્યાધુનિક પરિસરનું ઉદ્ઘાટન 26 જુલાઈ 2023ના રોજ કરવામાં આવ્યું હતું અને આશરે રૂ.2,700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. હજારો પ્રતિનિધિઓ, મહેમાનો તથા વિવિધ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની યજમાની કરી ચૂકેલું ભારત મંડપમ હવે વૈશ્વિક મંચ પર ભારતની વધતી યજમાની ક્ષમતાની નવી ઓળખ બની રહ્યું છે.

શંખ આકારની ઈમારતમાં ભારતીય સંસ્કૃતિની ઝલક

ભારત મંડપમની ડિઝાઈનમાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્ય કન્વેન્શન સેન્ટરની ઈમારત શંખના આકારથી પ્રેરિત છે. ભારતીય પરંપરામાં શંખને ચેતના, ઊર્જા અને શુભ શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે.

ભારત મંડપમનું નામ પણ 12મી સદીના ‘અનુભવ મંડપમ’ પરથી પ્રેરિત છે. અનુભવ મંડપમને જાહેર ચર્ચા અને લોકતાંત્રિક સંવાદના પ્રારંભિક મંચોમાંના એક તરીકે જોવામાં આવે છે.

27 ફૂટ ઊંચી નટરાજની ભવ્ય પ્રતિમા

ભારત મંડપમ પરિસરની બહાર સ્થાપિત ભગવાન નટરાજની ભવ્ય પ્રતિમા અહીંનું મુખ્ય આકર્ષણ છે. આશરે 27 ફૂટ ઊંચી અને 18 ટન વજનની અષ્ટધાતુની આ પ્રતિમા તમિલનાડુના સ્વામી મલાઈના પરંપરાગત કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે.

મંડપમની અંદર અને બહારની ડિઝાઈનમાં પણ ભારતીય જ્ઞાન, પરંપરા અને પ્રકૃતિની ઝલક જોવા મળે છે. અહીં સૂર્યશક્તિ એટલે કે સૌર ઊર્જા, ISROની પ્રેરણાદાયી યાત્રા તથા પંચમહાભૂત એટલે કે પ્રકૃતિના પાંચ તત્વોને દર્શાવતી વિશેષ ડિઝાઈનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમિટ હોલમાં 150થી વધુ પ્રતિનિધિઓની બેઠક

ભારત મંડપમના સમિટ હોલની સૌથી મોટી વિશેષતા તેની વિશાળ બેઠક ક્ષમતા છે. અહીં 150થી વધુ પ્રતિનિધિઓ એકસાથે બેસી શકે છે. BRICS શિખર સંમેલનની સૌથી મહત્વપૂર્ણ બેઠકો માટે આ હોલનો ઉપયોગ થઈ રહ્યો છે.

હોલ નંબર-1માં ભારતની ઈનોવેશન પાવરની ઝલક

ભારત મંડપમનો હોલ નંબર-1 પણ BRICS સમિટ દરમિયાન મહત્વપૂર્ણ બન્યો છે. શુક્રવારે અહીં ‘ભારત ઈનોવેટ્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાં વિકસાવવામાં આવેલી નવી ટેકનોલોજી અને ઈનોવેશનનું પ્રદર્શન કરવામાં આવ્યું.

ડ્રોન ટેકનોલોજીથી લઈને એડવાન્સ અને ઉભરતી ટેકનોલોજી સુધી ભારતની ઈનોવેશન ક્ષમતાની ઝલક અહીં જોવા મળી હતી. આ ઉપરાંત હોલમાં BRICSના વિશેષ કાર્યક્રમો પણ યોજાશે, જેમાં સંગઠનની બે દાયકાની યાત્રા અને ભવિષ્યની દિશા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

હોલ નંબર-14 બનશે બિઝનેસ બેઠકનું કેન્દ્ર

ભારત મંડપમના હોલ નંબર-14માં BRICS બિઝનેસ ફોરમની બેઠક યોજાશે. BRICS દેશોના ટોચના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને કોર્પોરેટ જગતના પ્રતિનિધિઓની હાજરીમાં વ્યાપાર અને આર્થિક સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે.

આ જ પરિસરમાં ઈન્ટરનેશનલ મીડિયા સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. BRICS સમિટના કવરેજ માટે વિશ્વભરમાંથી અંદાજે 1,200થી 1,400 જેટલા પત્રકારો અહીં પહોંચવાના છે.

આ રીતે ભારત મંડપમ માત્ર આંતરરાષ્ટ્રીય બેઠકોનું સ્થળ જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ, ટેકનોલોજી, ઈનોવેશન અને વૈશ્વિક યજમાની ક્ષમતાનું ભવ્ય પ્રદર્શન કરતું મંચ બની રહ્યું છે.

Leave a Comment

और पढ़ें