PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનો મોટો નિર્ણય

ઉત્તરાખંડના પૂર્વ CM હરીશ રાવતે કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું રાજીનામું : કહ્યું- ‘મારા કારણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસના સંઘર્ષ પર સવાલ ન ઊભા થાય’

દેહરાદૂન : ઉત્તરાખંડના રાજકારણમાં મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પાર્ટીના તમામ સંગઠનાત્મક હોદ્દા પરથી અચાનક રાજીનામું આપતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. રાવતનો આ નિર્ણય તેમના પીએ ચંદન સિંહના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ આવ્યો છે.

રાવતે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ નથી ઇચ્છતા કે તેમના કારણે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર સામે ચલાવવામાં આવી રહેલા સંઘર્ષ પર કોઈ પ્રશ્ન ઊભો થાય. પાર્ટીની સાખ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈને નુકસાન ન પહોંચે તે માટે તેમણે આ નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભરતી પરીક્ષા કૌભાંડ કેસમાં EDની કાર્યવાહી

EDએ વર્ષ 2016માં યોજાયેલી ગ્રામ પંચાયત વિકાસ અધિકારીની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આરોપો સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દેહરાદૂન સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન હરીશ રાવતના સહયોગી ચંદન સિંહના નિવાસસ્થાનની પણ તપાસ કરવામાં આવી હતી.

EDના જણાવ્યા અનુસાર ચંદન સિંહના ઘરેથી રૂ.32 લાખની બેહિસાબી રોકડ, આશરે 200 ગ્રામ સોનું અને 12 લક્ઝુરિયસ ઘડિયાળો મળી આવી હતી. આ ઉપરાંત ચંદન સિંહ અને તેમના પરિવારના સભ્યોના બેન્ક ખાતામાં રહેલી રૂ.52.16 લાખની રકમ પણ જપ્ત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

ચંદન સિંહ હરીશ રાવતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન OSD તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં તેમના PA તરીકે કામગીરી કરતા હોવાનું જણાવાયું છે.

‘સત્ય તપાસ બાદ જ બહાર આવશે’

EDની કાર્યવાહી અંગે હરીશ રાવતે કહ્યું કે સમગ્ર મામલાનું સાચું સત્ય તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. ભરતી પરીક્ષામાં ગેરરીતિના આરોપો જો સાબિત થશે તો તે તેમના માટે શરમજનક બાબત હશે, જોકે હાલ તેમને આ આરોપો પર વિશ્વાસ નથી.

રાવતે એવો પણ આક્ષેપ કર્યો કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય માહોલ બગાડવા અને એક ચોક્કસ નેરેટિવ ઊભો કરવા માટે તેમના સહયોગીને નિશાન બનાવવામાં આવ્યા છે.

પાર્ટીની છબી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના કોંગ્રેસના સંઘર્ષ પર કોઈ અસર ન પડે તે માટે હરીશ રાવતે પ્રદેશ કારોબારી તેમજ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) સહિતના પક્ષના હોદ્દાઓ પરથી પોતાને અલગ કરવાનો નિર્ણય લીધો છે.

Leave a Comment

और पढ़ें