બે દિવસની BRICS શિખર પરિષદનો પ્રારંભ : PM મોદીએ પુતિન, જિનપિંગ સહિત અનેક દેશોના રાષ્ટ્રવડાઓનું કર્યું સ્વાગત
નવી દિલ્હી : ભારત મંડપમમાં આજથી બે દિવસીય BRICS શિખર પરિષદનો ભવ્ય પ્રારંભ થયો છે. પરિષદમાં 26 દેશોના રાષ્ટ્રવડા અને પ્રતિનિધિઓની હાજરીથી ભારત મંડપમ વૈશ્વિક નેતાઓના સંગમનું કેન્દ્ર બન્યું છે.
બપોરે 3:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત ઇન્ડોનેશિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને અન્ય દેશોના રાષ્ટ્રવડાઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
પરિષદના પ્રારંભિક સંબોધનમાં વડાપ્રધાન મોદીએ બદલાતી વૈશ્વિક વ્યવસ્થા વચ્ચે ગ્લોબલ સાઉથનો અવાજ વધુ મજબૂત બને તે દિશામાં ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. વૈશ્વિક સ્તરે સહકાર અને વિકાસ માટે BRICS દેશો વચ્ચે વધુ સંકલન જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
શિખર પરિષદ દરમિયાન વિવિધ દેશોના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. સાંજે અનેક દેશોના રાષ્ટ્રવડાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો યોજાશે, જેમાં વેપાર, અર્થતંત્ર, વૈશ્વિક સુરક્ષા અને પરસ્પર સહકાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
BRICSની આ બેઠકને વૈશ્વિક રાજદ્વારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે એક જ મંચ પર વિશ્વના અનેક પ્રભાવશાળી દેશોના નેતાઓની હાજરી જોવા મળી રહી છે.








