બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થતાં પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદનું જોર વધશે; ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા
નવી દિલ્હી: દેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની ગેરહાજરીને કારણે વરસાદની ઘટ અંગે ચિંતા વધી રહી હતી. ત્યારે હવે ચોમાસાની વિદાય પહેલાં ફરી એક વખત વરસાદી માહોલ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો-પ્રેશરની અસરથી દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના અહેવાલ મુજબ બંગાળની ખાડીમાં વિકસતું લો-પ્રેશર પૂર્વ અને મધ્ય ભારતના હવામાનને અસર કરશે. તેના કારણે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, જ્યારે કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે.
આજે અને આવતીકાલે ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. લો-પ્રેશર ઓડિશાની નજીક સર્જાઈ રહ્યું હોવાથી તેની અસર આસપાસના પૂર્વીય અને મધ્ય ભારતીય રાજ્યોમાં પણ જોવા મળી શકે છે.
દિલ્હીથી બિહાર સુધી વરસાદની શક્યતા
દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત આશરે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની શક્યતા છે. છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજધાની દિલ્હીમાં પણ 14 સપ્ટેમ્બર સુધી હવામાનમાં પલટો જોવા મળવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ, જ્યારે અન્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બિહારમાં પૂર વચ્ચે વરસાદની ચિંતા
બિહારમાં પણ તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ગંગા સહિતની આઠ નદીઓમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ યથાવત છે અને 14 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં ફરી ભારે વરસાદ થાય તો મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.
ગુજરાતમાં પણ 16 સપ્ટેમ્બર સુધી વરસાદ
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ લો-પ્રેશર ઓડિશા નજીક સર્જાઈ રહ્યું છે. તેની સાથે જોડાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ અસર કરી શકે છે. આ હવામાની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં પણ 16 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસાની વિદાય પહેલાં ફરી સક્રિય થતી આ સિસ્ટમથી દેશના અનેક વિસ્તારોમાં વરસાદની ઘટમાં રાહત મળવાની આશા ઉભી થઈ છે.








