પલાવાન ટાપુ નજીક દરિયામાં સર્જાઈ દુર્ઘટના; 43 મુસાફરોને બચાવી લેવાયા, ફેરીમાં 134 લોકો સવાર હોવાની આશંકા
મનીલા: ફિલિપાઈન્સમાં મુસાફર ફેરીમાં અચાનક ભીષણ આગ લાગતાં મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. પશ્ચિમ ફિલિપાઈન્સના પલાવાન ટાપુ નજીક બુધવારે રાત્રે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 43 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.
ફેરીના એક ભાગમાં ભડકી આગ
ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં ફેરીના એક ભાગમાંથી આગની જ્વાળાઓ ભડકતી જોવા મળી રહી છે. રેસ્ક્યૂ ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મૃતદેહોને બેગમાં પેક કરીને કિનારે લાવવામાં આવતા દૃશ્યો પણ સામે આવ્યા છે.
કિનારાથી 2.2 કિમી દૂર ઘટના
મળતી માહિતી મુજબ ફેરીમાં આગ લાગી ત્યારે જહાજ દરિયાકિનારાથી આશરે 2.2 કિલોમીટર દૂર હતું. કોસ્ટ ગાર્ડે અત્યાર સુધીમાં 5 મૃતદેહો બહાર કાઢ્યા છે. જોકે, ફેરીમાં આગ લાગી ત્યારે ચોક્કસ કેટલા લોકો સવાર હતા અને કેટલા લોકો લાપતા છે તેની સત્તાવાર સંખ્યા હજુ જાહેર કરવામાં આવી નથી.
134 મુસાફરો સવાર હોવાની આશંકા
જહાજની રેકોર્ડબુકના આધારે ફેરીમાં આશરે 134 મુસાફરો સવાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ આંકડાને આધારે 43 લોકોને બચાવી લેવાયા બાદ મોટી સંખ્યામાં લોકો હજુ લાપતા હોવાની આશંકા છે.
કોસ્ટ ગાર્ડ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા દરિયામાં શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.









