iPhone Duoની શરૂઆતની કિંમત રૂ.2.99 લાખ, 7.6 ઇંચનું ઇનર ડિસ્પ્લે; iPhone 18 Pro સિરીઝનું પણ લોન્ચિંગ
નવી દિલ્હી: એપલે પોતાની ‘Surprise and Shine’ ઇવેન્ટમાં અનેક નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરીને ટેકનોલોજી બજારમાં હલચલ મચાવી છે. કંપનીએ iPhone 18 Pro અને iPhone 18 Pro Max સાથે પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duo રજૂ કર્યો છે. આ સાથે Apple Watch Series 12, Watch Ultra 4 અને AirPods 5 પણ લોન્ચ કરવામાં આવ્યા છે.
Appleનો પહેલો ફોલ્ડેબલ iPhone
iPhone Duo પુસ્તકની જેમ ખુલતી ફોલ્ડેબલ ડિઝાઇન સાથે રજૂ થયો છે. ફોન બંધ હોય ત્યારે કોમ્પેક્ટ દેખાય છે, જ્યારે ખોલ્યા બાદ તેમાં 7.6 ઇંચનું ઇનર ડિસ્પ્લે મળે છે. બહારની બાજુ 5.4 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે.
બંને ડિસ્પ્લેમાં ProMotion અને Always-On Displayનો સપોર્ટ છે. ઇનર ડિસ્પ્લે પર નેનો-ટેક્સચર ફિનિશ આપવામાં આવી છે, જે ગ્લેર ઘટાડવામાં મદદ કરે છે અને સ્ક્રીન પર દેખાતી ક્રીઝની વિઝિબિલિટી પણ ઓછી કરે છે. કંપનીના જણાવ્યા મુજબ આ અત્યાર સુધીનો સૌથી પાતળો iPhone છે.
ફોનમાં A20 Pro ચિપ, કસ્ટમ વેપર ચેમ્બર અને ડ્યુઅલ-બેટરી આર્કિટેક્ચર આધારિત થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. કેમેરા સેટઅપમાં 48MP Fusion Ultra Wide અને 48MP Fusion Main કેમેરા સામેલ છે. તેમાં Apple Pencil સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
રૂ.2.99 લાખથી શરૂ થશે કિંમત
iPhone Duoના 256GB બેઝ મોડલની કિંમત રૂ.2,99,900 રાખવામાં આવી છે, જ્યારે 2TB સ્ટોરેજવાળા ટોપ મોડલની કિંમત રૂ.4,49,900 છે. તેનું પ્રી-ઓર્ડર બુકિંગ 16 ઓક્ટોબરથી શરૂ થશે.
iPhone 18 Pro સિરીઝ પણ લોન્ચ
એપલે iPhone 18 Pro અને iPhone 18 Pro Max પણ રજૂ કર્યા છે. iPhone 18 Proના 256GB મોડલની શરૂઆતની કિંમત રૂ.1,64,900, જ્યારે iPhone 18 Pro Max 256GBની કિંમત રૂ.1,79,900 રાખવામાં આવી છે. બંને મોડલનું પ્રી-બુકિંગ 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થવાની માહિતી આપવામાં આવી છે.
એપલે ફોટોની વિશ્વસનીયતા અંગે પણ નવા ફીચર્સ પર ભાર મૂક્યો છે. રેફરન્સ ઈમેજ, AIથી બનાવાયેલી અથવા એડિટ કરાયેલી તસવીરોને ઓળખવામાં મદદરૂપ થાય તેવા ફીચર્સ રજૂ કરવામાં આવ્યા છે.
જૂના iPhoneના ભાવમાં પણ વધારો
નવા iPhone લોન્ચ થયા બાદ કંપનીએ કેટલાક જૂના મોડલની કિંમતોમાં પણ વધારો કર્યો છે. iPhone 17ના 256GB મોડલની કિંમત રૂ.82,000થી વધીને રૂ.99,900 થઈ છે. જ્યારે 512GB મોડલની કિંમત રૂ.1,02,900થી વધીને રૂ.1,24,900 થઈ છે.
તેવી જ રીતે iPhone 17eના 256GB મોડલની કિંમત રૂ.64,900થી વધીને રૂ.79,900 અને 512GB મોડલની કિંમત રૂ.84,900થી વધીને રૂ.1,04,900 થઈ છે. iPhone 16ના 128GB મોડલની કિંમત રૂ.69,900થી વધીને રૂ.89,900 કરવામાં આવી છે.
આ રીતે નવા iPhone લોન્ચિંગ સાથે કંપનીએ એક તરફ નવી ફોલ્ડેબલ ટેક્નોલોજી રજૂ કરી છે, તો બીજી તરફ જૂના મોડલની કિંમતમાં પણ નોંધપાત્ર ફેરફાર કર્યો છે.









