મુવાફ્ફક સલાતી એરબેઝ પર ડ્રોન-મિસાઈલ હુમલાનો દાવો, F-15 જેટ સહિત એરક્રાફ્ટને નુકસાન
અમ્માન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકને ઈરાને નિશાન બનાવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. મુવાફ્ફક સલાતી એરબેઝ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુમલા બાદ અમેરિકી ફાઈટર જેટ અને હેલિકોપ્ટરને નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો છે.
હુમલા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં નુકસાન પામેલા અમેરિકી એરક્રાફ્ટને અન્ય સ્થળે ખસેડવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આવા વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
અમેરિકન મીડિયા અહેવાલોને ટાંકીને કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલામાં આશરે 8 F-15 ફાઈટર જેટને નુકસાન થયું હતું અને તેમને સમારકામની જરૂર પડી હતી. આ ઉપરાંત A-10 થંડરબોલ્ટ (વોરથોગ) એરક્રાફ્ટને પણ નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કેટલાક અહેવાલોમાં તો A-10 એરક્રાફ્ટની એક પાંખને ગંભીર નુકસાન થયું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે, આ દાવાઓ અંગે સત્તાવાર સ્તરે સંપૂર્ણ વિગતો સામે આવી નથી.
30થી વધુ પેટ્રિયટ મિસાઈલ છોડ્યાનો દાવો
ઈરાનના હુમલાને રોકવા માટે અમેરિકાએ 30થી વધુ પેટ્રિયટ મિસાઈલોનો ઉપયોગ કર્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. પેટ્રિયટ સિસ્ટમનો મોટા પાયે ઉપયોગ અમેરિકા માટે ખર્ચાળ સાબિત થઈ શકે છે.
જોર્ડનમાં આવેલું આ એરબેઝ અમેરિકી સૈન્ય માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી તેના પર થયેલા હુમલાને અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, હુમલામાં થયેલા વાસ્તવિક નુકસાન અને અમેરિકી સૈન્યના સાધનો અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.









