26 ઓગસ્ટના વિનાશક ફ્લેશ ફ્લડથી હજારો પરિવારો બેઘર; કાટમાળ અને ટનલોમાં ગુમ થયેલા લોકોની શોધખોળ યથાવત
કાઠમંડુ: નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડને સોમવારે 13 દિવસ પૂર્ણ થયા છે, પરંતુ કુદરતી આફતના ઘા હજુ તાજા છે. ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં 1340થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે આશરે 5 હજાર લોકો હજુ લાપતા છે. આ દુર્ઘટનાના 13મા દિવસે નેપાળ સરકારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે.
સરકારી કચેરીઓ અને દૂતાવાસોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ
નેપાળ સરકારે 7 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો હતો. દેશભરની સરકારી કચેરીઓ ઉપરાંત વિદેશોમાં આવેલા નેપાળી દૂતાવાસોમાં પણ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
હિન્દુ પરંપરામાં મૃત્યુ બાદનો 13મો દિવસ શોક અને શ્રદ્ધાંજલિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને સરકારે વિનાશક પૂરનાં મૃતકોની યાદમાં આ દિવસે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.
ફ્લેશ ફ્લડથી અનેક જિલ્લાઓમાં વિનાશ
26 ઓગસ્ટે ચીનની સરહદ નજીક આવેલા રસૂવા વિસ્તારમાં હિમાલય પરથી બરફ અને ખડકો ખસવાથી અચાનક ફ્લેશ ફ્લડ સર્જાયું હતું. ત્યારબાદ રસૂવા ઉપરાંત નુવાકોટ, ધાદિંગ સહિતના અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ હતી.
ભોટેકોશી અને ત્રિશૂલી નદીના કાંઠાના વિસ્તારોમાં પાણીના ભારે પ્રવાહે રસ્તા, મકાનો અને અન્ય માળખાંને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ આપત્તિના કારણે 32 હજારથી વધુ પરિવારો વિસ્થાપિત થયા છે, જ્યારે આશરે 7,500 મકાનો સંપૂર્ણપણે નષ્ટ થયાનું જણાવાયું છે.
હાઇડ્રોપાવર પ્રોજેક્ટો અને સરકારી ઈમારતોને પણ ભારે નુકસાન થયું છે.
5 હજાર લોકો હજુ ગુમ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
પૂર બાદ ગુમ થયેલા આશરે 5 હજાર લોકોની શોધખોળ સુરક્ષા દળો માટે સૌથી મોટો પડકાર બની છે. ગુમ થયેલા લોકોમાં 589 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થતો હોવાનું જણાવાયું છે.
કાટમાળ ઉપરાંત હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલોમાં ફસાયેલા લોકોને શોધવા માટે નેપાળી સુરક્ષા દળો સાથે વિદેશી નિષ્ણાત ટીમો પણ કામગીરી કરી રહી છે. ભારતની નિષ્ણાત ટીમ દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં મદદ કરવામાં આવી રહી છે.
‘મુશ્કેલ કામને અશક્ય ન માનવું જોઈએ’
ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલ દુર્ઘટનામાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સે નેપાળની રેસ્ક્યુ કામગીરી અંગે સોશિયલ મીડિયા પર સંદેશ આપ્યો છે.
તેમણે જણાવ્યું કે નેપાળમાં હાલમાં એકસાથે અનેક રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે અને દરેક સ્થળે પડકારો અલગ છે. તેમનું કહેવું છે કે મુશ્કેલ કામને અશક્ય માનવું જોઈએ નહીં અને આવી પરિસ્થિતિમાં આશાને સતત પ્રયાસોમાં પરિવર્તિત કરવી જરૂરી છે.
8 સપ્ટેમ્બરે ‘Gen Z શહીદ દિવસ’ નિમિત્તે જાહેર રજા
પૂરનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મંગળવારે, 8 સપ્ટેમ્બરે દેશભરમાં જાહેર રજા રહેશે. આ રજા ‘Gen Z શહીદ દિવસ’ નિમિત્તે જાહેર કરવામાં આવી છે.
ગયા વર્ષે આ જ તારીખે કાઠમંડુમાં Gen Zના નેતૃત્વ હેઠળ વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ દરમિયાન થયેલા ગોળીબારમાં 72 લોકોનાં મોત થયા હોવાનું જણાવાયું છે.
એક વર્ષ બાદ નેપાળ ફરી એક વખત આ બંને મોટી ઘટનાઓને યાદ કરી રહ્યું છે—એક તરફ કુદરતી આફતમાં જીવ ગુમાવનારાઓ માટે શોક અને બીજી તરફ Gen Z આંદોલનમાં મૃત્યુ પામેલાઓની સ્મૃતિ.








