‘જાણે બોમ્બ ફૂટ્યો હોય તેવો ધડાકો…’ દિલ્હીમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, મૃતકાંક 6 થયો

સત્યનિકેતનમાં PG તરીકે વપરાતી ઈમારત અચાનક ધરાશાયી; કાટમાળમાં હજુ લોકો ફસાયા હોવાની આશંકા, NDRFનું રેસ્ક્યુ ઓપરેશન યથાવત

નવી દિલ્હી: દિલ્હીના સત્યનિકેતન વિસ્તારમાં રવિવારે બપોરે એક પાંચ માળની ઈમારત અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. PG તરીકે ઉપયોગમાં લેવાતી આ ઈમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કાટમાળ નીચે હજુ કેટલાક લોકો દબાયેલા હોવાની આશંકાને પગલે રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

ઈમારત ધરાશાયી થવાની ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં ઈમારત અચાનક ધરાશાયી થતાં બહાર બેઠેલો એક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે ઝડપથી ભાગતો જોવા મળે છે. થોડી જ ક્ષણોમાં આખી ઈમારત કાટમાળમાં ફેરવાઈ જાય છે અને આસપાસ ધૂળના ગોટેગોટા ઉડવા લાગે છે.

‘બોમ્બ ફૂટ્યો હોય તેવો ધડાકો થયો’

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઈમારત ધરાશાયી થઈ ત્યારે એટલો જોરદાર અવાજ આવ્યો હતો કે જાણે આસપાસ કોઈ મોટો બોમ્બ ધડાકો થયો હોય. ઈમારત તૂટી પડ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ધૂળના ગોટેગોટા છવાઈ ગયા હતા અને કાટમાળ નીચેથી લોકોની ચીસો સંભળાઈ રહી હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મોડી રાત સુધી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રહી હતી. અનેક વિદ્યાર્થીઓ પોતાના ગુમ થયેલા મિત્રો અને સાથીઓની શોધમાં ઘટનાસ્થળની આસપાસ ભટકતા જોવા મળ્યા હતા.

તપાસ માટે વિશેષ કમિટીની રચના

દિલ્હી સરકાર દ્વારા આ ગંભીર દુર્ઘટનાની તપાસ માટે વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી ઈમારત ધરાશાયી થવા પાછળના કારણોની તપાસ કરશે અને બેદરકારી માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવશે.

બીજી તરફ, ઈમારતનો માલિક ઘટના બાદથી ફરાર હોવાનું સામે આવ્યું છે. તેને શોધી કાઢવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

NDRFની ટીમો આધુનિક સાધનો સાથે મેદાનમાં

કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા અને બચાવવા માટે NDRFની ટીમો અત્યાધુનિક સાધનો સાથે કામગીરી કરી રહી છે. બે ટીમના આશરે 70 જવાનોને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશનમાં તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે ટીમોને રિઝર્વ રાખવામાં આવી હતી.

કાટમાળ નીચે કોઈ વ્યક્તિ જીવિત છે કે નહીં તે જાણવા માટે લાઇફ ડિટેક્ટર અને તાલીમબદ્ધ સર્ચ ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે. જીવનના સંકેતો મળતા જ તે સ્થળે અત્યંત સાવધાનીપૂર્વક કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

15 મિનિટમાં બેભાન યુવકને બહાર કાઢ્યો

રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન NDRFના જવાનોને કાટમાળ નીચેથી જીવનના સંકેતો મળ્યા હતા. ત્યારબાદ ટીમે ઝડપી કાર્યવાહી કરીને આશરે 15 મિનિટમાં એક બેભાન યુવકને બહાર કાઢ્યો હતો. સતત પ્રયાસો બાદ અન્ય બે લોકોને પણ આશરે 30 મિનિટની અંદર કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ડાયમંડ ચેન સો અને પ્લાઝમા કટરથી કાટમાળ હટાવાયો

કાટમાળમાં ફસાયેલા લોકોનું ચોક્કસ લોકેશન મળ્યા બાદ NDRFની ટીમે વૈજ્ઞાનિક પદ્ધતિથી બચાવ કામગીરી હાથ ધરી હતી. કોંક્રીટના મજબૂત ભાગોને કાપવા માટે ડાયમંડ ચેન સો અને પ્લાઝમા કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભારે કાટમાળ ખસેડવા માટે હાઇડ્રોલિક જેક અને કોમ્બી કટર જેવા સાધનોનો ઉપયોગ કરીને અંદર પહોંચવાનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. ઈમારતના અસ્થિર ભાગો વધુ તૂટી ન પડે તે માટે હાઇ-સ્ટ્રેન્થ ઇન્ફ્લેટેબલ બેગ અને શૌરિંગ સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હાલ સમગ્ર વિસ્તારને સુરક્ષિત રાખીને કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોને શોધવા અને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

Leave a Comment

और पढ़ें