રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભયાનક બન્યું છે. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવ અને ઓડેસા સહિત અનેક વિસ્તારોને નિશાન બનાવી રાતભર મિસાઈલ અને 218થી વધુ ડ્રોન વડે જોરદાર હુમલો કર્યો હતો. હુમલામાં રહેણાંક વિસ્તારો સહિત અનેક મહત્વપૂર્ણ સ્થળોને નુકસાન પહોંચ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયન હુમલામાં 12 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ કીવ સહિતના વિસ્તારોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
સતત છઠ્ઠા દિવસે કીવ પર હુમલો
રશિયન સેનાએ સતત છઠ્ઠા દિવસે કીવને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હતા. મધરાત દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટોથી રહેણાંક ઇમારતો, રેલવે સ્ટેશન, સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય મકાનોને ભારે નુકસાન થયું હતું.
કીવના હોલોસીવસ્કી અને સોલોમિયાંસ્કી વિસ્તારોમાં પણ હુમલાની અસર જોવા મળી હતી. આ ઉપરાંત ઓડેસાની એક ફેક્ટરી તથા રોમાનિયા સરહદ નજીક આવેલા ફેરી ક્રોસિંગને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા બચાવ કામગીરી
હુમલા બાદ ઇમરજન્સી અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કીવના બોરિસ્પિલ સહિત વિવિધ વિસ્તારોમાંથી ડઝનબંધ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે.
યુક્રેનનો 199 હવાઈ લક્ષ્યો તોડી પાડવાનો દાવો
યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે તેણે રશિયાના 5 મિસાઈલ અને 187 ડ્રોન સહિત કુલ 199 હવાઈ લક્ષ્યોને હવામાં જ નિષ્ક્રિય કરી દીધા હતા.
તેમ છતાં મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઈલના હુમલાના કારણે યુક્રેનના અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે. હુમલાની તીવ્રતા જોતા યુક્રેને ફરી એકવાર વધુ આધુનિક અને મજબૂત એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરી છે.
ભારતીય નાગરિકના મોતથી ભારતની ચિંતા વધી
રશિયન હુમલામાં ભારતીય નાગરિકના મોતના અહેવાલ બાદ ભારત પણ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા મૃતક ભારતીય નાગરિક અંગેની વિગતો મેળવવા તથા પરિસ્થિતિની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સતત વધી રહેલા હવાઈ હુમલાઓને કારણે સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા ઊભી થઈ છે.








