નેપાળ અને તિબેટ સરહદ નજીક 26 ઓગસ્ટે બરફ અને ખડકો ધસી પડતાં સર્જાયેલા વિનાશક પૂરે ઉત્તરી અને મધ્ય નેપાળમાં ભારે તારાજી સર્જી છે. ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા પ્રચંડ પૂરનાં પાણીમાં ઘરો, વાહનો, રસ્તાઓ અને પુલો તણાઈ ગયા છે. અત્યાર સુધીમાં 987 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ વચ્ચે મૃત્યુઆંક 1,000ની નજીક પહોંચી ગયો છે.
આ વિનાશ વચ્ચે નુવાકોટ જિલ્લાના બેત્રાવતી વિસ્તારમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સોમવારે સવારે એક જ ઘરમાંથી 23 મૃતદેહો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાએ પૂરની ભયાનકતા અને લોકોની લાચારીની કરુણ તસવીર સામે મૂકી છે. નુવાકોટ ઉપરાંત ચિતવન, નવાલપરાસી અને ગોરખા જિલ્લાઓમાં પણ ભારે નુકસાન થયું છે. ભારતની સરહદ નજીક ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ગંડક નદીમાંથી પણ 13 મૃતદેહો મળી આવ્યા છે.
હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં 933 લોકો ફસાયા હોવાની આશંકા
વિનાશક પૂરની સૌથી ગંભીર અસર હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર પડી છે. રસુવા અને નુવાકોટ જિલ્લાના વિવિધ પ્રોજેક્ટ્સની ટનલોમાં આશરે 933 મજૂરો અને એન્જિનિયરો ફસાયા હોવાની આશંકા છે. ટનલોમાં કાદવ અને પાણી ભરાઈ જતાં બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની છે.
નેપાળી સેના જેસીબી મશીનો, સર્ચલાઈટ અને નિયંત્રિત વિસ્ફોટની મદદથી કાટમાળ દૂર કરીને ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
4,000 લોકો હજુ લાપતા
હાલમાં આશરે 4,000 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં લગભગ 590 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ પૂરગ્રસ્ત વિસ્તારોમાં 65,000થી વધુ લોકોને તાત્કાલિક સ્વચ્છ પીવાનું પાણી અને આરોગ્યસુવિધાની જરૂર છે. હજારો બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે પોષણ અને જરૂરી સહાયની પણ તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
ગુમ થયેલા લોકોની ઓળખ માટે ડીએનએ સેમ્પલિંગ અને ડીએનએ કિટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત સહિત વિવિધ દેશો તરફથી નેપાળમાં રાહત સામગ્રી પણ મોકલવામાં આવી રહી છે.
ભારતે 158 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા
નેપાળમાં સર્જાયેલી આ વિનાશક પરિસ્થિતિ વચ્ચે ભારતે પણ રાહત અને બચાવ કામગીરી તેજ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 158 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ભારતની 19 સભ્યોની ફોરેન્સિક ટીમ કાઠમંડુ પહોંચી છે અને ડીએનએ સેમ્પલિંગ દ્વારા મૃતકોની ઓળખ કરવામાં નેપાળને મદદ કરી રહી છે. વિશેષ ટનલ રેસ્ક્યૂ ટીમ પણ નેપાળી સેના સાથે મળીને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી કરી રહી છે.
રાજનાથ સિંહે નેપાળ દૂતાવાસની મુલાકાત લીધી
નેપાળની આ કુદરતી આફતમાં જાનહાનિ અંગે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં આવેલા નેપાળના દૂતાવાસની મુલાકાત લીધી હતી. તેમણે શોક પુસ્તિકામાં સંવેદના સંદેશ લખી જીવ ગુમાવનારા લોકો અને તેમના પરિવારજનો પ્રત્યે ભારત સરકાર તથા દેશવાસીઓ વતી ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
તબાહ થયેલા ઘરની બહાર માલિકોની રાહ જોતો વફાદાર શ્વાન
નુવાકોટના ત્રિશૂલી બજારમાં પૂરનાં પાણીમાં ચાર ઘર તણાઈ ગયા બાદ એક વફાદાર પાલતું શ્વાનની તસવીર લોકોના હૃદયને સ્પર્શી રહી છે. કાળા-સફેદ રંગનો આ શ્વાન તબાહ થયેલા પોતાના ઘરના મુખ્ય દરવાજા પાસે જ બેસી માલિકોની રાહ જોઈ રહ્યો છે.
આસપાસ જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે, ભારે અવાજ અને ગંદકી વચ્ચે પણ શ્વાન પોતાની જગ્યા છોડવા તૈયાર નથી. રાહતકર્મીઓ અને સ્થાનિકોએ તેને બિસ્કિટ તથા ખોરાક આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ખોરાક તરફ ધ્યાન આપ્યા વિના સતત પોતાના ઘર તરફ જોતો રહ્યો.
પૂરના સમયે અન્ય પ્રાણીઓ સુરક્ષિત ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહ્યા હતા, પરંતુ આ શ્વાન હજુ પણ પોતાના માલિકો પરત ફરશે તેવી આશામાં તબાહ થયેલા ઘરની બહાર જ બેઠો છે.
ગ્લોબલ વોર્મિંગને લઈને નેપાળના પીએમ બાલેન્દ્ર શાહનો આક્રોશ
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરને સામાન્ય કુદરતી આફત ગણવાને બદલે ગ્લોબલ વોર્મિંગ સાથે જોડ્યું છે. તેમણે આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાની વાત કરી છે.
તેમણે જણાવ્યું કે આશરે ત્રણ કરોડની વસ્તી ધરાવતો નેપાળ મોટા ભાગે ગ્રામીણ દેશ છે અને વૈશ્વિક પ્રદૂષણ તથા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં તેનો ફાળો અત્યંત ઓછો છે. તેમ છતાં ઔદ્યોગિક અને વિકસિત દેશોના કારણે સર્જાયેલા ક્લાઈમેટ ચેન્જના ગંભીર પરિણામો નેપાળ જેવા દેશોએ ભોગવવા પડી રહ્યા છે.
વડાપ્રધાન શાહે કહ્યું કે આ અન્યાય સામે હવે નેપાળે વિશ્વ સમક્ષ પોતાની વાત વધુ મજબૂતીથી રજૂ કરવાનો સમય આવી ગયો છે.








