શાહબાઝ શરીફની હાજરીમાં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ, બેવડા ધોરણો સામે આકરો પ્રહાર
બિશ્કેક: શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દે આકરું વલણ અપનાવીને તમામ દેશોને એકજૂથ થવાની અપીલ કરી હતી. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી SCOની વાર્ષિક બેઠકમાં પ્રારંભિક સંબોધન દરમિયાન મોદીએ કહ્યું કે આતંકવાદ કોઈપણ દેશની રણનીતિનો ભાગ બની શકે નહીં અને આતંકવાદ સામે કોઈપણ પ્રકારના બેવડા ધોરણો સ્વીકાર્ય નથી.
આ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત SCOના સભ્ય દેશોના નેતાઓ હાજર રહ્યા હતા.
પહેલગામ હુમલાનો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ ભારતમાં થયેલા પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આતંકવાદના કોઈપણ સ્વરૂપને સહન કરી શકાય નહીં. તેમણે આતંકવાદ સામેની લડાઈમાં તમામ દેશોએ એકસાથે આવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મોદીએ કહ્યું કે આતંકવાદનું જે ભયાનક સ્વરૂપ દુનિયા સામે છે તેની સામે આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થઈને કાર્યવાહી કરવી જરૂરી છે. આતંકવાદને મળતું નાણાકીય ભંડોળ અને અન્ય પ્રકારનું સમર્થન અટકાવવું પડશે, તેવી પણ તેમણે અપીલ કરી હતી.
યુદ્ધનો અંત અને વાતચીતથી ઉકેલ
SCO બેઠકમાં મોદીએ યુક્રેન તથા પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોઈપણ સમસ્યાનો ઉકેલ અનંત યુદ્ધમાં નહીં, પરંતુ યુદ્ધનો અંત લાવીને વાતચીતના ટેબલ પર શોધવો જોઈએ.
વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે દેશો વચ્ચે સંવાદ અને સહયોગ વધારવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓને ચેતવણી
વડાપ્રધાન મોદીએ આતંકવાદને 21મી સદીનો સૌથી મોટો દુશ્મન ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે જે દેશો આતંકવાદને પ્રોત્સાહન આપે છે અથવા તેને પોતાની રણનીતિના સાધન તરીકે ઉપયોગ કરે છે, તેમણે પણ તેના પરિણામો ભોગવવા પડશે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં આપવામાં આવેલા આ સંદેશને ભારતના આતંકવાદ વિરોધી વલણની સ્પષ્ટ રજૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.
SCOના ત્રણ મહત્વના આધાર
વડાપ્રધાને SCOની ભૂમિકા અંગે વાત કરતાં સિક્યુરિટી, કનેક્ટિવિટી અને ઓપર્ચ્યુનિટીને સંગઠન માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે સભ્ય દેશો વચ્ચે સુરક્ષા ઉપરાંત કનેક્ટિવિટી, વેપાર અને વિકાસ ક્ષેત્રે સહયોગ વધારવાની જરૂરિયાત દર્શાવી હતી.
આ બેઠક દરમિયાન ચીન અને રશિયા સહિતના દેશોના નેતાઓ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાતોને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય મંચ પર મોદીના આ સંબોધનથી આતંકવાદ સામે ભારતનું કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ થયું છે.









