કર્ણાટકમાં વાસી-અખાદ્ય મીઠાઈ સામે તંત્રની મોટી કાર્યવાહી, 6 યુનિટ સીલ

બેંગલુરુ: તહેવારોની સિઝન વચ્ચે કર્ણાટકમાં અખાદ્ય અને વાસી મીઠાઈઓના વેચાણ સામે ખાદ્ય સુરક્ષા વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી યુ.ટી. ખાદરના આદેશ બાદ રાજ્યભરમાં મીઠાઈ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. બેંગલુરુ, મૈસૂર, મંગલુ, બેલગાવી અને કલબુર્ગી સહિતના વિસ્તારોમાં થયેલી તપાસ દરમિયાન વાસી, ક્ષતિગ્રસ્ત અને નિયમોનું ઉલ્લંઘન કરતી ખાદ્ય સામગ્રી મળી આવી હતી.

ગંભીર ગેરરીતિ અને અસ્વચ્છતા સામે આવતા વિભાગે 6 મીઠાઈ બનાવતા યુનિટને તાત્કાલિક સીલ કરી દીધા છે.

મીઠાઈના કારખાનામાં ગંભીર ગેરરીતિઓ

તપાસ દરમિયાન કેટલાક એકમોમાં એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલા ખાદ્યપદાર્થોનો સંગ્રહ જોવા મળ્યો હતો. ઉત્પાદન સ્થળોએ અસ્વચ્છતા અને માખીઓનો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત કેટલાક સ્થળોએ ખાદ્યપદાર્થોમાં બિનઅધિકૃત કૃત્રિમ રંગોનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું.

પેકિંગની તપાસ કરતાં ઉત્પાદકનું નામ, બેચ નંબર, ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ તથા FSSAI લાઇસન્સ નંબર જેવી ફરજિયાત વિગતો પણ ઘણી જગ્યાએ જોવા મળી નહોતી.

400 કિલો માવો-બરફી જપ્ત

અધિકારીઓએ વિવિધ એકમોમાંથી તેલ, દૂધની બનાવટો, જલેબી, મૈસૂર પાક અને નમકીન સહિતના નમૂના લીધા હતા. તમામ સેમ્પલને ગુણવત્તાની ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

બેંગલુરુના બાલાજી મિલ્ક નામના એકમમાંથી ખાદ્ય સુરક્ષા વિભાગે રૂ.77,500ની કિંમતનો 400 કિલો બિનઅધિકૃત માવો અને બરફી જપ્ત કરી હતી.

મૈસૂરમાંથી પણ રૂ.1.56 લાખની કિંમતનો 367 કિલો નમકીન અને માવો કબજે કરવામાં આવ્યો છે. જ્યારે બેંગલુરુના અન્ય કેટલાક એકમોમાંથી વાસી દહીં, ચીક્કી અને ચોકલેટ મટીરિયલ મળી આવ્યું હતું.

વેપારીઓને તંત્રની ચેતવણી

ખાદ્ય સુરક્ષા વિભાગે જણાવ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખવામાં આવે અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તહેવારોની સિઝન દરમિયાન લોકો મોટી માત્રામાં મીઠાઈ અને અન્ય ખાદ્યપદાર્થોની ખરીદી કરતા હોવાથી આગામી દિવસોમાં પણ રાજ્યભરના મીઠાઈ એકમો, ખાદ્ય ઉત્પાદન કેન્દ્રો અને બેકરીઓમાં ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.

તંત્ર દ્વારા ભેળસેળયુક્ત, વાસી અને અખાદ્ય સામગ્રીના ઉત્પાદન તથા વેચાણ પર નિયંત્રણ લાવવા માટે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें