ગોવા-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન ફેઈલ, મોપા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ગોવા: ગોવાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2102ના એક એન્જિનમાં ટેકઓફ બાદ થોડા જ સમયમાં ટેકનિકલ ખામી સર્જાતા વિમાનને પરત મોપા એરપોર્ટ લાવવામાં આવ્યું હતું. વિમાનનું એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ સવારે 9:16 વાગ્યે ગોવાથી દિલ્હી માટે રવાના થઈ હતી. ટેકઓફ બાદ તરત જ વિમાનના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ખામીની જાણ થતાં પાયલોટે સાવચેતીના પગલે વિમાનને પરત ગોવા તરફ વાળવાનો નિર્ણય લીધો હતો.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા સવારે 9:30 વાગ્યે મોપા એરપોર્ટ પર ‘ફુલ ઈમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી. ઈમરજન્સીની જાહેરાત થતાં એરપોર્ટ પર થોડા સમય માટે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું.

રનવે 28 પર સુરક્ષિત લેન્ડિંગ

પાયલોટે કુશળતાપૂર્વક વિમાનને મોપા એરપોર્ટ પર પરત લાવ્યું હતું. સવારે 9:51 વાગ્યે રનવે નંબર 28 પર ફ્લાઈટનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

લેન્ડિંગ બાદ વિમાનને સ્ટેન્ડ નંબર 6 પર પાર્ક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય બનતાં ATC દ્વારા સવારે 10:03 વાગ્યે ઈમરજન્સી હટાવી દેવામાં આવી હતી.

તમામ મુસાફરો સુરક્ષિત

આ ઘટનામાં સદનસીબે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા છે. કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.

વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા દિલ્હી જતાં મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને દિલ્હી પહોંચાડવા માટે બપોરે 3:30 વાગ્યે બીજી ફ્લાઈટ રવાના કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરી મંજૂરી મળ્યા બાદ ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે.

ઈન્ડિગો દ્વારા મુસાફરો માટે જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરમિયાન, વિમાનના એન્જિનમાં ખામી સર્જાવાનું ચોક્કસ કારણ જાણવા માટે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें