દેશમાં મોંઘવારીનું દબાણ ફરી વધતું જોવા મળી રહ્યું છે. ઓગસ્ટમાં અનેક મહત્વની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે. આરબીઆઈના તાજેતરના માસિક અહેવાલ મુજબ 21 ઓગસ્ટ સુધીના આંકડામાં જુલાઈની સરખામણીમાં ડુંગળીના ભાવમાં સૌથી વધુ 11 ટકાનો વધારો નોંધાયો છે. સાથે ચોખા, ઘઉં, કઠોળ અને ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે.
આરબીઆઈના જણાવ્યા મુજબ હવામાન સંબંધિત પરિસ્થિતિઓ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પરના દબાણની અસર ખાદ્ય બજાર પર પડી રહી છે. ડુંગળી ઉપરાંત ચોખાના ભાવમાં 2.1 ટકા અને ઘઉંના ભાવમાં 0.6 ટકા વધારો થયો છે. કઠોળમાં ચણા દાળ 1 ટકા, તુવેર દાળ 0.5 ટકા અને મગ દાળ 0.4 ટકા મોંઘી થઈ છે.
ખાદ્ય તેલમાં પણ ભાવવધારો નોંધાયો છે. સરસવનું તેલ 1.6 ટકા, મગફળીનું તેલ 1 ટકા, સૂર્યમુખીનું તેલ 0.9 ટકા અને પામ તેલ 0.9 ટકા મોંઘું થયું છે. જોકે, આ સમયગાળા દરમિયાન બટાકાના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી છે. સરકારી પ્રાઇસ મોનિટરિંગ ડેટા મુજબ 26 ઓગસ્ટે દેશભરમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ રૂ.46.79 પ્રતિ કિલો હતો.
ક્રૂડ ઓઇલ અને સપ્લાય ચેઇનનું દબાણ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર ઊર્જા કિંમતો અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડી રહી છે. ક્રૂડ ઓઇલ, બળતણ અને કાચા માલના ભાવમાં વધારો થાય તો પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધે છે. તેની સીધી અસર વિવિધ વસ્તુઓના અંતિમ ભાવ પર પડી શકે છે. આરબીઆઈએ પણ ખાદ્ય અને ઇંધણના ઊંચા ખર્ચથી વ્યાપક મોંઘવારીનું જોખમ દર્શાવ્યું છે.
ચોમાસું અને કૃષિ પર નજર
ખાદ્ય ભાવ માટે ચોમાસાની સ્થિતિ પણ મહત્વપૂર્ણ છે. વરસાદ અનિયમિત રહે અથવા પાકને નુકસાન થાય તો બજારમાં પુરવઠો ઘટી શકે છે અને તેના કારણે ખાદ્ય ચીજોના ભાવ પર વધુ દબાણ આવી શકે છે. ડુંગળી જેવા શાકભાજીના ભાવમાં હવામાન અને પુરવઠાની સ્થિતિની અસર ખાસ ઝડપથી જોવા મળે છે. RBIના અભ્યાસમાં પણ ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં પુરવઠા સંબંધિત ફેરફારોને મહત્વપૂર્ણ પરિબળ ગણાવવામાં આવ્યા છે.
આમ, ઓગસ્ટમાં ખાદ્ય ચીજોના ભાવમાં જોવા મળેલો વ્યાપક વધારો સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચ પર સીધી અસર કરી શકે છે અને આગામી સમયમાં મોંઘવારીના આંકડા પર પણ તેની અસર જોવા મળી શકે છે.









