નેપાળના રસુવા જિલ્લામાં તિબેટ સરહદ નજીક આવેલા વિનાશક પૂર અને જળપ્રલયે ભારે તબાહી મચાવી છે. અચાનક આવેલા પૂરનાં પાણી એટલી ઝડપથી ફરી વળ્યાં કે લોકોને સંભાળવાનો સમય પણ મળ્યો નહોતો. ગણતરીની સેકન્ડોમાં અનેક ઇમારતો, પુલો અને અન્ય બાંધકામો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધી 162 લોકોનાં મોત થયા છે, જ્યારે 844 લોકો લાપતા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
લાપતા લોકોમાં 133 ભારતીય પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ચીન તરફના 265 લોકો, 37 એનઆરઆઈ અને 80 સુરક્ષા કર્મચારીઓ પણ લાપતા છે. અમેરિકા, બ્રિટન, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સહિત અનેક દેશોના નાગરિકો પણ પૂર બાદ સંપર્કવિહોણા બન્યા છે.
ભયાનક જળપ્રલયના કારણે અનેક ગામોમાં વિનાશ સર્જાયો છે. સેંકડો ઇમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે અને અનેક પુલો તથા રસ્તાઓ તણાઈ ગયા છે. લગભગ એક ડઝન જેટલા જળવિદ્યુત પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચ્યું છે. નેપાળ-તિબેટ સરહદ પર લેંડે નદીનું જળસ્તર વધતાં તિપૂરે વિસ્તારમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. ત્યારબાદ કાટમાળ ત્રિશૂલી નદી સુધી પહોંચ્યો હતો અને પૂર નુવાકોટ, ચિતવન, ગોરખા, તનહુ તથા નવલપરાસી જિલ્લાઓ સુધી ફેલાયું હતું.
હોનારત બાદ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે તાત્કાલિક બેઠક યોજી હતી અને નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ તથા નેપાળ પોલીસને રાહત અને બચાવ કામગીરીમાં ઉતારવાનો આદેશ આપ્યો હતો. બચાવ માટે 30 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. લાપતા લોકોની શોધખોળ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી પણ ચાલી રહી છે. પ્રારંભિક તબક્કામાં જ 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા મુજબ ભૂકંપ બાદ માત્ર ત્રણ મિનિટમાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે લોકોને બચવાનો સમય પણ મળ્યો નહોતો. ભારત સરકારે નેપાળને શક્ય તમામ મદદની ખાતરી આપી છે અને રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો પણ મોકલવામાં આવ્યો છે.
કૈલાશ માનસરોવર યાત્રાના 400 યાત્રાળુઓ લાપતા
આ જળહોનારત વચ્ચે કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા અંદાજે 400 યાત્રાળુઓ હજુ સુધી સંપર્કવિહોણા છે. તેમાં 93 નેપાળી યાત્રાળુઓ છે, જ્યારે બાકીના મોટાભાગના ભારતીય હોવાનું જાણવા મળ્યું છે. જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન મારફતે યાત્રા પર ગયેલા 77 યાત્રાળુઓ પણ લાપતા લોકોમાં સામેલ છે.
હોનારત સમયે યાત્રાળુઓ ઈમિગ્રેશન સેન્ટર પર હાજર હોવાનું જણાવાયું છે. સમ્રાટ ટુર્સ, લીફ હોલીડેઝ, કાઠમંડુ હોલીડેઝ, કૈલાશ જર્ની અને ટ્રેકર્સ સોસાયટી સહિતની વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે આ યાત્રાળુઓ કૈલાશ માનસરોવર યાત્રા પર ગયા હતા. બચાવ ટીમો દ્વારા હવે લાપતા યાત્રાળુઓ સહિત અન્ય લોકોની શોધખોળ તેજ કરવામાં આવી છે.









