તહેવારોની ખરીદી શરૂ થાય તે પહેલાં જ ઈ-કોમર્સ ક્ષેત્રમાં સેલર્સ માટે નવા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એમેઝોન અને ફ્લિપકાર્ટે ઓર્ડર કેન્સલેશન અને શિપમેન્ટમાં વિલંબ બદલ પેનલ્ટીનું માળખું વધુ કડક બનાવ્યું છે. હવે ગ્રાહકની વિનંતી વગર સેલર પોતાની રીતે ઓર્ડર રદ કરશે તો તેને મોટો નાણાકીય દંડ ચૂકવવો પડી શકે છે.
એમેઝોનના ‘ઈઝી શિપ’ અને ‘સેલ્ફ શિપ’ મોડલમાં સેલર ઓર્ડર રદ કરે ત્યારે ઓર્ડરની કિંમતના આધારે પેનલ્ટી વસૂલાશે. રૂ.10,000 સુધીના ઓર્ડર પર 10 ટકા અથવા મહત્તમ રૂ.1,000, રૂ.10,001થી રૂ.50,000ના ઓર્ડર પર 8 ટકા અથવા મહત્તમ રૂ.4,000 સુધીનો ચાર્જ લાગશે. જ્યારે રૂ.1 લાખથી વધુના ઓર્ડર પર 2 ટકા ચાર્જ સાથે 18 ટકા GST વસૂલાશે. નિર્ધારિત સમયમર્યાદામાં શિપમેન્ટ કન્ફર્મ ન કરવા બદલ પણ સેલરને દંડનો સામનો કરવો પડશે.
ફ્લિપકાર્ટની ત્રણ સ્તરની પેનલ્ટી
ફ્લિપકાર્ટે પણ ઓર્ડર પૂર્ણ કરવામાં વિલંબ અને કેન્સલેશન માટે ત્રણ સ્તરીય પેનલ્ટી સિસ્ટમ અમલમાં મૂકી છે. ઓર્ડર સમયસર પિક-અપ માટે તૈયાર ન હોય તો રૂ.30, સેલર પોતાની તરફથી ઓર્ડર કેન્સલ કરે તો રૂ.60 અને વિલંબ બાદ ઓર્ડર રદ થાય તો રૂ.90 સુધીનો દંડ લાગશે.
જોકે નવા સેલર્સને શરૂઆતના ત્રણ મહિના સુધી આ પેનલ્ટી સિસ્ટમમાંથી રાહત આપવામાં આવી છે.
વેપારીઓમાં ચિંતા
સેલર એસોસિએશન ‘ફર્સ્ટ ઇન્ડિયા’ના પ્રતિનિધિઓએ નવા નિયમો સામે ચિંતા વ્યક્ત કરી છે. વેપારીઓનું કહેવું છે કે દરેક વખતે ઓર્ડર કેન્સલ થવા પાછળ સેલરની ભૂલ હોતી નથી. કુરિયર પિક-અપમાં વિલંબ, લોજિસ્ટિક્સની સમસ્યા અથવા ટેક્નિકલ ખામીના કારણે પણ ઓર્ડર અટકી શકે છે. આવી સ્થિતિમાં પેનલ્ટીનો બોજ નાના અને મધ્યમ વેપારીઓ પર પડી શકે છે.
બીજી તરફ, કંપનીઓનું કહેવું છે કે ગ્રાહકોને સમયસર ઓર્ડર પહોંચાડવા અને અનાવશ્યક કેન્સલેશન રોકવા માટે આ નિયમો જરૂરી છે. એમેઝોનના જણાવ્યા મુજબ સેલર્સ દ્વારા રદ થતા ઓર્ડરનું પ્રમાણ કુલ ઓર્ડરના 1 ટકાથી પણ ઓછું છે. સેલરની ભૂલ ન હોય તેવા કિસ્સાઓમાં સુરક્ષા વ્યવસ્થા પણ ઉપલબ્ધ હોવાનું કંપનીએ જણાવ્યું છે.
નવા નિયમો બાદ તહેવારોની સીઝનમાં સેલર્સે સ્ટોક, શિપમેન્ટ અને ઓર્ડર મેનેજમેન્ટમાં વધુ સાવચેતી રાખવી પડશે, નહીં તો એક ઓર્ડર રદ કરવો પણ ખિસ્સા પર ભારે પડી શકે છે.








