અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને 2 લાખ સુધીના વિદેશી નાગરિકોના B1 અને B2 વીઝા રદ કરવાની તૈયારી શરૂ કરી છે. જો આ કાર્યવાહી કાયદાકીય પડકાર અથવા અન્ય કોઈ ફેરફાર વિના આગળ વધશે તો અમેરિકાના ઈતિહાસમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં વીઝા રદ કરવાનો આ સૌથી મોટો કિસ્સો બની શકે છે.
આ કાર્યવાહી એવા વિદેશીઓ સામે થવાની છે, જેઓ 2016થી 2026 દરમિયાન B1 (બિઝનેસ) અથવા B2 (ટૂરિઝમ) વીઝા પર અમેરિકા ગયા હતા અને ત્યારબાદ ત્યાં રહેવા માટે Asylum માટે અરજી કરી છે અથવા હાલમાં શરણ મેળવવાની પ્રક્રિયામાં છે. અમેરિકી વિદેશ વિભાગ, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ સાથે મળીને આવા લોકોની ઓળખ કરી રહ્યું છે.
અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ B1 અને B2 વીઝા ટૂંકા ગાળાની મુલાકાત માટે આપવામાં આવે છે. સરકારનું કહેવું છે કે કેટલાક લોકો વિઝિટર તરીકે અમેરિકા આવ્યા બાદ કાયમી રહેવા માટે Asylumની અરજી કરી રહ્યા છે. આ કારણસર તેમના નોન-ઇમિગ્રન્ટ વીઝા રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
જોકે વીઝા રદ થવાનો અર્થ તાત્કાલિક ડિપોર્ટેશન નથી. જે લોકોના Asylum કેસ હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે, તેઓ કાયદાકીય પ્રક્રિયા ચાલુ રાખી શકશે. પરંતુ તેમનો B1/B2 વિઝિટર સ્ટેટસ સમાપ્ત થઈ જશે.
આ નિર્ણય ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન નીતિનો વધુ એક ભાગ છે. જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે અંતિમ સંખ્યા હાલમાં નિશ્ચિત નથી અને કાર્યવાહી તબક્કાવાર થઈ શકે છે.








