ઘઉંની નિકાસબંધી હટી : હવે ભાવ વધશે? તહેવારો પહેલાં મોંઘવારીનો નવો પડકાર

કેન્દ્ર સરકારે ચાર વર્ષથી લાગુ ઘઉંની નિકાસબંધી હવે હટાવી દીધી છે. 25 ઓગસ્ટે સરકારે ઘઉં અને તેની બનાવટોની નિકાસ પરના નિયંત્રણો દૂર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ભારતીય ઘઉં માટે વિદેશી બજારમાં નવા રસ્તા ખુલ્યા છે અને ખાસ કરીને બાંગ્લાદેશ જેવા દેશોમાંથી માંગ વધવાની શક્યતા છે.

નિકાસબંધી હટતા સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ પર તેની અસર કેવી થાય છે તેના પર વેપારીઓની નજર છે. જો નિકાસ વધશે અને સ્થાનિક પુરવઠા પર દબાણ આવશે તો ઘઉંના ભાવમાં તેજી આવી શકે છે. જોકે દેશના સ્ટોક, ઉત્પાદન અને વૈશ્વિક ભાવની સ્થિતિ આગામી દિવસોમાં ભાવની દિશા નક્કી કરશે.

ઘઉં ઉપરાંત આટા, રવા, સોજી, મૈદા અને અન્ય સંબંધિત ઉત્પાદનોની નિકાસ નીતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 2022માં ઘરેલુ ઉપલબ્ધતા અને ભાવને ધ્યાનમાં રાખીને આ ઉત્પાદનોની નિકાસ પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. 2026માં અત્યાર સુધી મર્યાદિત જથ્થામાં નિકાસની છૂટ આપવામાં આવી હતી, પરંતુ હવે નીતિમાં વધુ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

ખાંડના ભાવ કાબૂમાં લેવા આયાતી ખાંડ માટે નિયમો કડક

બીજી તરફ ખાંડના વધતા ભાવને કાબૂમાં લેવા સરકારે આયાતી કાચી ખાંડ માટેના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. સરકારે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. લગભગ એક દાયકા બાદ ભારતે આટલી મોટી માત્રામાં ખાંડની આયાતને મંજૂરી આપી છે.

હવે આયાતી કાચી ખાંડને દેશમાં રિફાઈન કરીને સ્થાનિક બજારમાં વેચવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. બિલ ઓફ એન્ટ્રી દાખલ થયાની તારીખથી બે મહિનાની અંદર કાચી ખાંડને રિફાઈન કરીને બજારમાં વેચવી પડશે. આ વ્યવસ્થાનો હેતુ આયાતી ખાંડ બંદરો પર પડેલી ન રહે અને સંગ્રહખોરીને કારણે બજારમાં કૃત્રિમ અછત ઊભી ન થાય તે છે.

ખાંડના ભાવ છેલ્લા બે મહિનામાં લગભગ 40 ટકા સુધી વધ્યા છે. સરકારના પગલાંનો હેતુ તહેવારોની મોસમ પહેલાં બજારમાં પુરવઠો વધારીને ભાવ પરનો દબાણ ઘટાડવાનો છે. સાથે જ મોટા વપરાશકારો માટે સ્ટોક રાખવાની મર્યાદા પણ લાદવામાં આવી છે.

આમ, એક તરફ ઘઉંની નિકાસ છૂટથી સ્થાનિક ભાવમાં તેજીની સંભાવના ઊભી થઈ છે, તો બીજી તરફ ખાંડની આયાત અને સ્ટોક નિયંત્રણ દ્વારા સરકાર ભાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. હવે તહેવારો પહેલાં ઘઉં અને ખાંડના બજારના ભાવ કઈ દિશામાં જાય છે તેના પર સૌની નજર રહેશે.

Leave a Comment

और पढ़ें