નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂનના સર્વિસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI)ના પ્રાથમિક આંકડાઓમાં દેશના સર્વિસ સેક્ટરમાં ભાવનું મિશ્ર ચિત્ર સામે આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ આંકડામાં વર્ષ 2022-23ને આધાર વર્ષ તરીકે રાખવામાં આવ્યું છે.
સર્વિસ PPIમાં સૌથી મોટો ભાવવધારો હવાઈ મુસાફરીમાં 31.94 ટકા નોંધાયો છે. એટલે કે એક વર્ષમાં એર ટ્રાવેલની સેવાઓના ભાવમાં લગભગ 32 ટકાનો જંગી વધારો થયો છે. પેન્શન ફંડ મેનેજમેન્ટ સેવાઓના ભાવમાં પણ 5.20 ટકાનો વધારો નોંધાયો છે.
આ ઉપરાંત રેલવે સેવાઓના ભાવમાં 1.27 ટકા, ઇન્શ્યોરન્સ સેવાઓમાં 0.98 ટકા અને ટેલિકોમ સેવાઓમાં 0.72 ટકાનો વધારો નોંધાયો છે. આમ, પરિવહનથી લઈને વીમા અને ટેલિકોમ સુધીની કેટલીક મહત્વની સેવાઓના ભાવમાં વધારો થયો છે.
જોકે બીજી તરફ કેટલીક સેવાઓમાં ઘટાડો નોંધાતા ગ્રાહકો અને રોકાણકારોને આંશિક રાહત મળી છે. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શનના ભાવમાં 1.30થી 1.32 ટકાનો ઘટાડો થયો છે. બેંકિંગ સેવાઓના પ્રાઇસ ઇન્ડેક્સમાં પણ 3.35થી 3.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે બેંકિંગ સર્વિસ કન્ટ્રીબ્યુશન ઇન્ડેક્સમાં વાર્ષિક ધોરણે 6.9 ટકાનો વધારો થયો છે.
હાલ સરકાર બેંકિંગ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન, પેન્શન ફંડ મેનેજમેન્ટ, ઇન્શ્યોરન્સ, ટેલિકોમ, રેલવે અને એર પેસેન્જર સહિત સાત સેવાઓ માટે જ સર્વિસ PPI તૈયાર કરી રહી છે. આ સાત સેવાઓ સમગ્ર સર્વિસ સેક્ટરનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરતી ન હોવાથી હાલમાં તેમને કોઈ ચોક્કસ વેઈટેજ આપવામાં આવ્યું નથી. નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિકના સર્વિસ PPIના આંકડા 25 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.








