ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની પ્રથમ બેઠકમાં યુવા વર્ગ પર ખાસ ફોકસ

જંતરમંતરના આંદોલનનો પડઘો : જેન-ઝી અને જેન-આલ્ફાને જોડવા ભાજપની નવી રણનીતિ

નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા ઉપરાંત દેશના યુવા વર્ગમાં જોવા મળતા અસંતોષ અને શિક્ષણ સહિતના મુદ્દાઓ પર ચાલી રહેલી ચર્ચાને લઈને પણ મહત્વપૂર્ણ મંથન કરવામાં આવ્યું હતું.

દિલ્હીના જંતરમંતર ખાતે થયેલા આંદોલન બાદ જેન-ઝી અને જેન-આલ્ફા સાથે સીધો સંવાદ વધારવા ભાજપ દ્વારા વિશેષ પ્રયાસો કરવાની દિશામાં ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે.

= 65 સભ્યોની ટીમને નીતિન નબીનનું માર્ગદર્શન

ભાજપના વડામથક ખાતે રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન અને રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નવા પદાધિકારીઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

બેઠકમાં ગુજરાતમાંથી રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પસંદ થયેલા ડો. હેમાંગ જોષી સહિતના રાષ્ટ્રીય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

= વંદેમાતરમના તમામ છંદનું ગાન

બેઠકની શરૂઆતમાં વંદેમાતરમના તમામ છ છંદનું ગાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગીતને સન્માન આપવામાં આવ્યું હતું.

વંદેમાતરમના માત્ર બે છંદ ગાવાના કોંગ્રેસના પ્રસ્તાવની બેઠકમાં ટીકા કરવામાં આવી હતી. ભાજપ દ્વારા વંદેમાતરમના ઐતિહાસિક મહત્વ અને ગરિમાને લઈને દેશવ્યાપી અભિયાન ચલાવવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.

= ચૂંટણી માટે બૂથ સ્તરે સંગઠન મજબૂત કરાશે

રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીને નવી ટીમના સભ્યોને સંબોધતા આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બૂથ સ્તરની તૈયારીઓ વધુ મજબૂત બનાવવા સૂચના આપી હતી.

સંગઠનને છેવાડાના કાર્યકર સુધી સક્રિય બનાવવા અને આગામી પડકારોનો સામનો કરવા માટે વ્યાપક રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

= યુવાનો સાથે સંવાદ માટે ખાસ કમિટી

જેન-ઝી અને જેન-આલ્ફા સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે ખાસ કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

આ કમિટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ઉપરાંત સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢના કેબિનેટ મંત્રી ઓ.પી. ચૌધરીનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનો દાવો છે.

= વંદેમાતરમને લઈને દેશવ્યાપી અભિયાન

ભાજપ દ્વારા યુવાનો સાથે સંવાદ કરીને તેમને વંદેમાતરમના ઇતિહાસ અને મહત્વથી માહિતગાર કરવા માટે દેશભરમાં અભિયાન ચલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

યુવા વર્ગના પ્રશ્નોને સાંભળવા અને તેમની સાથે સીધો સંપર્ક વધારવો એ નવી રાષ્ટ્રીય ટીમની મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓમાં સામેલ બની શકે છે.

= સાંજે વડાપ્રધાન મોદી નવી ટીમને મળશે

દિલ્હીમાં દિવસભર બેઠકો બાદ આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની નવી રાષ્ટ્રીય ટીમના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. ભાજપના વડામથક ખાતે યોજાનારી આ બેઠકમાં સંગઠન, આગામી ચૂંટણીઓ અને રાષ્ટ્રીય સ્તરના પડકારો અંગે માર્ગદર્શન મળવાની શક્યતા છે.

Leave a Comment