કાર ખરીદવી હવે વધુ મોંઘી!

મારુતિ-હ્યુન્ડાઈ બાદ ટાટા મોટર્સનો પણ ભાવવધારો, 1 સપ્ટેમ્બરથી રૂ.25 હજાર સુધીનો વધારો

દેશમાં કાર ખરીદનારાઓ માટે ફરી એકવાર ખર્ચ વધવાનો છે. મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ બાદ હવે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડે પણ પોતાની કાર અને SUVના ભાવ વધારવાની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલ વાહનોની સાથે ટાટાની ઇલેક્ટ્રિક કાર પણ ભાવવધારાથી બાકાત નહીં રહે.

ટાટા મોટર્સની નવી કિંમતો 1 સપ્ટેમ્બર 2026થી લાગુ થશે અને મોડલ તથા વેરિઅન્ટ પ્રમાણે મહત્તમ રૂ.25 હજાર સુધીનો વધારો કરવામાં આવશે.

= કાચો માલ મોંઘો, કંપનીએ ગ્રાહક પર નાખ્યો થોડો બોજ

ટાટા મોટર્સના જણાવ્યા મુજબ કાચા માલની વધતી કિંમત, ઇનપુટ કોસ્ટમાં વધારો અને સતત મોંઘવારીના દબાણને કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવાયો છે.

કંપનીના કહેવા પ્રમાણે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાનો મોટો હિસ્સો કંપની પોતે સહન કરી રહી છે, જ્યારે બાકીનો થોડો બોજ વાહનોની કિંમત વધારીને ગ્રાહકો પર નાખવામાં આવી રહ્યો છે.

= નવા નિયમો અને વધુ ફીચર્સથી પણ વધી કિંમત

કારો મોંઘી થવા પાછળ માત્ર કાચા માલની વધતી કિંમત જ કારણ નથી. SUVની વધતી લોકપ્રિયતા, ગ્રાહકોનો પ્રીમિયમ અને મોંઘા વેરિઅન્ટ તરફ વધતો ઝોક, નવા સુરક્ષા અને ઉત્સર્જન નિયમો તથા વાહનોમાં ઉમેરાતા વધુ ફીચર્સને કારણે પણ કારની સરેરાશ કિંમત વધી રહી છે.

= મારુતિની કાર પહેલેથી જ મોંઘી થઈ

મારુતિ સુઝુકીએ ઓગસ્ટમાં જ Arena અને Nexaના 18 મોડલની કિંમતોમાં વધારો કર્યો છે. અલગ-અલગ મોડલ પ્રમાણે રૂ.2,500થી લઈને રૂ.30 હજાર સુધીનો વધારો થયો છે.

ઓલ્ટોની કિંમતમાં આશરે રૂ.2,500નો વધારો થયો છે, જ્યારે સ્વિફ્ટ અને બ્રેઝાની કિંમતમાં રૂ.5 હજારથી રૂ.7,500 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

= હ્યુન્ડાઈ પણ સપ્ટેમ્બરથી ભાવ વધારશે

હ્યુન્ડાઈએ 1 સપ્ટેમ્બરથી પોતાની કારની કિંમતોમાં 1 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. અલગ મોડલ અને વેરિઅન્ટ પ્રમાણે ભાવવધારો અલગ રહેશે.

કંપનીએ વધતા ઉત્પાદન ખર્ચ, લોજિસ્ટિક્સના ખર્ચમાં વધારો, સપ્લાય ચેઇન પરનું દબાણ અને સ્પેરપાર્ટ્સની વધેલી કિંમતને ભાવવધારા પાછળના કારણો ગણાવ્યા છે.

= પાંચ વર્ષમાં કારનું વેચાણ 71 ટકા વધ્યું

દેશમાં પેસેન્જર વાહનોની માંગ છેલ્લા પાંચ વર્ષમાં ઝડપથી વધી છે. SIAMના આંકડા મુજબ 2020-21માં ભારતમાં 27.11 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. 2025-26માં આ આંકડો વધીને 46.43 લાખ થયો.

એટલે પાંચ વર્ષમાં વેચાણમાં 19.32 લાખ વાહનનો વધારો થયો છે, જે આશરે 71 ટકા છે.

= ટાટાનો આ ત્રિમાસિકમાં બીજી વખત ભાવવધારો

ટાટા મોટર્સે આ ત્રિમાસિકમાં બીજી વખત ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જૂનમાં પેસેન્જર વાહનોના ભાવમાં 1.5 ટકા સુધીનો વધારો જાહેર કર્યો હતો, જે 1 જુલાઈથી લાગુ થયો હતો.

હવે 1 સપ્ટેમ્બરથી ફરી ભાવવધારો થતાં ટાટાની નવી કાર ખરીદનાર ગ્રાહકોને વધુ રકમ ચૂકવવી પડશે.

= 2019થી નવી કારની સરેરાશ કિંમત 47 ટકા વધી

નવી કારની સરેરાશ કિંમતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં મોટો ઉછાળો આવ્યો છે. 2019માં નવી કારની સરેરાશ રિટેલ કિંમત આશરે રૂ.8.07 લાખ હતી. 2024માં તે વધીને રૂ.11.64 લાખ અને 2025ની શરૂઆતમાં આશરે રૂ.11.84 લાખ થઈ હતી.

આમ, 2019થી 2025 દરમિયાન નવી કારની સરેરાશ કિંમતમાં આશરે 47 ટકાનો વધારો થયો છે.

કારનું વેચાણ વધતું જાય છે, પરંતુ તેની સાથે કારની કિંમત પણ સતત વધી રહી છે. હવે મધ્યમવર્ગ માટે કાર ખરીદવા પહેલાં માત્ર મોડલ અને માઈલેજ નહીં, પરંતુ વધતી કિંમત અને EMIનું ગણિત પણ જોવું પડશે.

Leave a Comment