આનંદીબેન પટેલની એક સપ્તાહની રજાથી UPમાં રાજકીય અટકળો તેજ! નવા રાજ્યપાલ તરીકે બ્રાહ્મણ ચહેરાની ચર્ચા

2019થી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની સંભવિત વિદાયની ચર્ચા, આગામી ચૂંટણીને લઈને ભાજપના સામાજિક સમીકરણો પર નજર

લખનઉ: ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક સપ્તાહની રજા લીધી હોવાની ચર્ચા વચ્ચે તેમના રાજ્યપાલ પદને લઈને રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે. કેન્દ્રમાં સંભવિત ફેરફારો સાથે કેટલાક રાજ્યોના રાજ્યપાલોની પણ બદલી થવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશમાં નવા રાજ્યપાલની નિમણૂક અંગે પણ તર્કવિતર્ક શરૂ થયા છે.

આનંદીબેન પટેલ 2019થી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની નિયત મુદત પૂર્ણ થઈ હોવા છતાં તેઓ પદ પર યથાવત છે. રાજ્યપાલની નિમણૂક અંગેની બંધારણીય જોગવાઈ મુજબ તેઓ રાષ્ટ્રપતિની ઇચ્છા સુધી પદ પર રહી શકે છે.

બ્રાહ્મણ ચહેરાને તક મળવાની અટકળ

ઉત્તરપ્રદેશના રાજકારણમાં બ્રાહ્મણ મતદારોનું મહત્વનું સ્થાન છે. રાજ્યની 403 વિધાનસભા બેઠકોમાંથી અનેક બેઠકો પર બ્રાહ્મણ મતદારો ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તરપ્રદેશમાં અપેક્ષા કરતાં ઓછું પરિણામ મળ્યા બાદ વિવિધ સામાજિક સમીકરણોને લઈને ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં બ્રાહ્મણ સમાજમાંથી કોઈ ચહેરાને રાજ્યપાલ બનાવવાની શક્યતા અંગે રાજકીય ચર્ચા શરૂ થઈ છે.

જોકે, આ અંગે સરકાર કે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આનંદીબેનના વિદાય બાદ પણ ગુજરાત ફેક્ટર ચર્ચામાં

આનંદીબેન પટેલનું નામ માત્ર ઉત્તરપ્રદેશ પૂરતું સીમિત નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે તેમની લાંબી રાજકીય કારકિર્દી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના જૂના રાજકીય સંબંધોને કારણે પણ તેમના આગામી રાજકીય રોલ અંગે ચર્ચા થતી રહે છે.

બીજી તરફ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલની સામાજિક-સંગઠનાત્મક ભૂમિકાને લઈને પણ ગુજરાતમાં રાજકીય ચર્ચા વધી છે. જો આનંદીબેન રાજ્યપાલ પદેથી વિદાય લે છે તો આગામી સમયમાં તેઓ સક્રિય રાજકારણમાં કોઈ ભૂમિકા ભજવશે કે નહીં તે પણ મહત્વનો સવાલ બની શકે છે.

હાલમાં જોકે આનંદીબેન પટેલની બદલી કે નવા રાજ્યપાલ તરીકે બ્રાહ્મણ ચહેરાની પસંદગી અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી. તેથી હાલની તમામ ચર્ચાઓને રાજકીય અટકળો તરીકે જ જોવી જરૂરી છે.

Leave a Comment