મુંબઈના કુર્લાના કુરેશી નગરમાં આજે વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. MHADA દ્વારા દબાણ હટાવવાની કામગીરી માટે ક્રેન ગોઠવવામાં આવી રહી હતી ત્યારે અચાનક તેનું સંતુલન બગડતાં ભારે ક્રેન ધડાકાભેર નીચે પટકાઈ હતી.
ક્રેન ધરાશાયી થતાં તેની ઝપેટમાં નજીકની કેટલીક ઝૂંપડીઓ અને મકાનો આવી ગયા હતા. એટલું જ નહીં, ક્રેનનો એક ભાગ કુર્લા-ટ્રોમ્બે વચ્ચેની સિંગલ રેલવે લાઇનના ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયર પર પણ પડ્યો હતો. જોકે આ લાઇન પર મુખ્યત્વે માલગાડીઓ દોડતી હોવાથી પેસેન્જર ટ્રેન વ્યવહાર પર મોટી અસર થઈ નહોતી.
અકસ્મતમાં કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 6ને સાયન હોસ્પિટલ અને 2ને કુર્લા ભાભા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કાટમાળ નીચે કોઈ અન્ય વ્યક્તિ ફસાઈ છે કે નહીં તે તપાસવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન ક્રેન ગોઠવતી વખતે બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ તે અંગે પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.









