FAAનો મોટો નિર્ણય; 10 સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ થશે
વોશિંગ્ટન: બોઈંગ 737 મેક્સ વિમાનોમાં તિરાડની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમેરિકાના એવિએશન રેગ્યુલેટર FAAએ 471 વિમાનોની તપાસના આદેશ આપ્યા છે.
FAAના જણાવ્યા મુજબ, અત્યાર સુધી 737 મેક્સમાં તિરાડ મળી હોવાની પુષ્ટિ થઈ નથી. જોકે, જૂના નેક્સ્ટ જનરેશન 737 વિમાનોના બેર સ્ટ્રેપમાં તિરાડો મળી આવી હતી. 737 મેક્સની ડિઝાઇન સમાન હોવાથી તેમાં પણ આવી સમસ્યા ઊભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે.
10 સપ્ટેમ્બરથી અંતિમ નિયમ અમલમાં આવશે. બેર સ્ટ્રેપ દરવાજા અને ઈમરજન્સી એક્ઝિટને મજબૂત બનાવતું મહત્વપૂર્ણ માળખું છે.
બોઈંગે જણાવ્યું કે કંપનીને આ સમસ્યાની અગાઉથી જાણ હતી અને છેલ્લા છ વર્ષથી ઓપરેટરો સાથે મળીને તેના ઉકેલ પર કામ કરવામાં આવી રહ્યું છે.
અસરગ્રસ્ત જૂના 737 વિમાનો માટે 2019માં તપાસના નિર્દેશ આપવામાં આવ્યા હતા, જ્યારે FAAએ 2021માં તેને ફરજિયાત બનાવ્યા હતા.








