પુતિન નાટોના દેશ પર હુમલો કરી શકે: અમેરિકી ગુપ્તચર રિપોર્ટથી ચિંતા

નાટોની તાકાત ચકાસવા રશિયા મોટું સાહસ કરી શકે; પોલેન્ડ પર જોખમ વધુ

વોશિંગ્ટન: યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન નાટોની તાકાત અને પશ્ચિમી દેશોની પ્રતિક્રિયા ચકાસવા માટે કોઈ નાટો સભ્ય દેશ સામે સૈન્ય કાર્યવાહી કરી શકે તેવી ચેતવણી અમેરિકી ગુપ્તચર રિપોર્ટમાં આપવામાં આવી હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.

રિપોર્ટ મુજબ પોલેન્ડ સંભવિત નિશાનામાં હોવાનું માનવામાં આવે છે. નાટોની કલમ-5 હેઠળ એક સભ્ય દેશ પર સશસ્ત્ર હુમલો સમગ્ર સંગઠન સામે હુમલો ગણાઈ શકે છે, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની શકે છે.

અમેરિકી ગુપ્તચર તંત્રે આ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માહિતી આપી હોવાનું જણાવાય છે. યુરોપના કેટલાક દેશોની હવાઈ સીમામાં રશિયન ડ્રોન દેખાવાની ઘટનાઓ વચ્ચે નાટો દેશોની ચિંતા વધી છે.

અહેવાલો અનુસાર, રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પોતાની સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે અને પશ્ચિમ એશિયામાં અમેરિકા-નાટો દેશો વચ્ચેના મતભેદોનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે.

ઈરાન યુદ્ધ પર અમેરિકી જનરલની ચેતવણી

દરમિયાન ઈરાન સાથેના સંઘર્ષ અંગે અમેરિકાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે માત્ર હવાઈ હુમલાથી ઈરાન સામેનું યુદ્ધ સમાપ્ત કરવું મુશ્કેલ છે.

ઈરાનમાં અમેરિકી સૈનિકોને ઉતારવા અંગે ટ્રમ્પ પ્રશાસનની હિચકિચાટ વચ્ચે જનરલનું આ નિવેદન મહત્વનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા ટીમમાં પણ યુદ્ધમાંથી બહાર નીકળવાના માર્ગ અંગે ચર્ચા થઈ રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

Leave a Comment

और पढ़ें