જાણીતી કંપનીના નામે વેચાતી નકલી પ્રોડક્ટ્સનો પર્દાફાશ; ટ્રેડમાર્કની નકલ કરી ગ્રાહકો સાથે થતી હતી છેતરપિંડી
અમદાવાદ: અમદાવાદ પોલીસે બહેરામપુરા વિસ્તારમાં દરોડો પાડી જાણીતી કોસ્મેટિક કંપનીના નામે નકલી સાબુ અને ફેસવોશ બનાવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન રૂ.11.68 લાખથી વધુ કિંમતનો ડુપ્લીકેટ માલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અસલી કંપનીના ટ્રેડમાર્ક, લોગો અને પેકેજિંગની હૂબહૂ નકલ કરીને પોતાની ‘KISRA’ બ્રાન્ડ હેઠળ નકલી પ્રોડક્ટ્સ બજારમાં વેચતો હતો. આ રીતે ગ્રાહકોને અસલી પ્રોડક્ટના નામે છેતરવામાં આવતા હતા.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પુણે સ્થિત **’યામી ઘર શોપ પ્રા. લિ.’**ના ટ્રેડમાર્ક વિભાગના અધિકારી જયદીપ સુભાષભાઈ ભટ્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બહેરામપુરાના ભાટી કમ્પાઉન્ડ સ્થિત ગોડાઉન પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે મોહમ્મદ જુનેદ યુનુસભાઈ પટેલ (45), રહે. દાણીલીમડાની ધરપકડ કરી હતી. સ્થળ પરથી 3,894 ડુપ્લીકેટ સાબુ અને 6,490 ડુપ્લીકેટ ફેસવોશ સહિત કુલ રૂ.11.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘન અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી નકલી કોસ્મેટિક્સના ઉત્પાદન, સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો સુધી તપાસનો વ્યાપ વધાર્યો છે.








