અમેરિકા ભણવા જવું બન્યું વધુ મુશ્કેલ; અધૂરી અરજી હવે સીધી જ નામંજૂર થશે
વોશિંગ્ટન: અમેરિકામાં અભ્યાસનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટો ઝટકો લાગ્યો છે. ટ્રમ્પ પ્રશાસનની કડક ઈમિગ્રેશન નીતિઓ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને અપાતા F-1 સ્ટુડન્ટ વિઝામાં 62 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
‘સેન્ટર ફોર ઈમિગ્રેશન સ્ટડીઝ (CIS)’ના અહેવાલ મુજબ, મે-ઓગસ્ટ 2024 દરમિયાન 58,694 ભારતીય વિદ્યાર્થીઓને F-1 વિઝા મળ્યા હતા, જ્યારે 2025ના સમાન સમયગાળામાં આ સંખ્યા ઘટીને માત્ર 22,149 રહી ગઈ છે. ચીનના વિદ્યાર્થીઓના F-1 વિઝામાં પણ 34 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ સાથે જ USCISએ વિઝા, ગ્રીન કાર્ડ અને નાગરિકતા સંબંધિત અરજીઓ માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે અરજી કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો અધિકારીઓ વધારાના પુરાવા માંગ્યા વિના જ અરજી સીધી નામંજૂર કરી શકશે.
અગાઉ અરજદારોને RFE (Request for Evidence) અથવા NOID (Notice of Intent to Deny) દ્વારા દસ્તાવેજો પૂર્ણ કરવાની તક મળતી હતી, પરંતુ નવી નીતિ બાદ આવી રાહત લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
USCISનું કહેવું છે કે અધૂરી અરજીઓના કારણે પ્રક્રિયામાં વિલંબ અને બેકલોગ વધી રહ્યો હતો. તેથી હવે અરજદારે પ્રથમ વખતમાં જ સંપૂર્ણ અને યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવી ફરજિયાત રહેશે.
આ બેવડા નિર્ણયથી અમેરિકા ભણવા, નોકરી કરવા અથવા ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા ભારતીયો માટે પ્રક્રિયા વધુ કડક અને પડકારજનક બની ગઈ છે.








