LPG સિલિન્ડર થઈ શકે છે વધુ મોંઘા: સરકાર લાવી રહી છે નવો ચાર્જ

ઊર્જા સુરક્ષા માટે કુદરતી ગેસના ભંડાર બનાવવાની તૈયારી; ઘરેલુ સિલિન્ડર પર આશરે રૂ.18નો વધારાનો બોજ પડી શકે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એલપીજી (LPG) સિલિન્ડર પર નવો ચાર્જ લાદવાની તૈયારીમાં છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો ઘરેલુ, કોમર્શિયલ અને ઔદ્યોગિક ઉપયોગના તમામ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ શકે છે.

સરકાર કુદરતી ગેસના વ્યૂહાત્મક ભંડાર (સ્ટ્રેટેજિક ગેસ સ્ટોરેજ) ઉભા કરવા માટે પ્રતિ કિલો રૂ.1.29નો વિશેષ ચાર્જ વસૂલવાની યોજના બનાવી રહી છે. તેના કારણે 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડર પર આશરે રૂ.18નો વધારાનો ખર્ચ આવી શકે છે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર અને ઔદ્યોગિક ગેસ પણ મોંઘા બનશે.

સરકારનું માનવું છે કે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સંકટ અથવા આયાતમાં વિક્ષેપ સર્જાય ત્યારે દેશ પાસે પૂરતો ગેસનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે આ પગલું જરૂરી છે. આ યોજના હેઠળ અંદાજે રૂ.3.60 લાખ કરોડનું ભંડોળ એકત્ર કરવાની તૈયારી છે, જેનો ઉપયોગ દેશના વિવિધ ભાગોમાં આધુનિક ગેસ સ્ટોરેજ સુવિધાઓ વિકસાવવા માટે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઈરાન સંઘર્ષ દરમિયાન ગલ્ફ દેશોમાંથી થતી કુદરતી ગેસની આયાત પર અસર થતાં પુરવઠા પર દબાણ વધ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં ગેસ સપ્લાય તથા ભાવ બંને પર અસર જોવા મળી હતી. આ જ અનુભવને ધ્યાનમાં રાખીને સરકાર હવે લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા માટે નવી વ્યવસ્થા અમલમાં લાવવાની તૈયારી કરી રહી છે.

Leave a Comment

और पढ़ें