આસામમાં મૃત્યુઆંક 85 પર, કેરળમાં 8ના મોત; હજારો લોકો રાહત શિબિરોમાં ખસેડાયા
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ યથાવત છે. આસામ, કેરળ, છત્તીસગઢ અને ગુજરાતમાં વરસાદી આફતે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. અનેક લોકોનાં મોત થયા છે, જ્યારે લાખો લોકો પૂરથી પ્રભાવિત બન્યા છે.
સૌથી વધુ અસરગ્રસ્ત આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 85 પર પહોંચ્યો છે. બીજી તરફ કેરળમાં ભારે વરસાદના કારણે 8 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો લાપત્તા હોવાનું જણાવાયું છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં પૂરના પાણીમાં બે બાળાઓના મોત થયા છે.
ભારે વરસાદથી લાખો એકર ખેતીપાક પાણીમાં ગરકાવ થયો છે, અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તેમજ હજારો પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
કેરળમાં રાજ્ય સરકારે 209 રાહત શિબિરો શરૂ કરી છે, જ્યાં 5,792થી વધુ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું કે મૃતકોના પરિવારો અને અસરગ્રસ્તોને સરકાર તરફથી તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.








