ડ્રગ કેસ માટે વધુ ફાસ્ટટ્રેક કોર્ટની તૈયારી; હાઈકોર્ટમાં 342 અને નીચલી અદાલતોમાં 7,311 જગ્યાઓ ખાલી
નવી દિલ્હી: દેશની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટમાં 10 હજારથી વધુ કેસ 10 વર્ષથી પેન્ડિંગ છે, જ્યારે દેશની હાઈકોર્ટોમાં 80 હજારથી વધુ કેસ 30 વર્ષથી બાકી છે.
કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે કેસોના નિકાલમાં ન્યાયાધીશો અને સ્ટાફની અછત, પુરાવાની જટિલતા તેમજ પક્ષકારોની ઉપલબ્ધતા જેવા પરિબળો જવાબદાર છે. હાલમાં હાઈકોર્ટમાં મંજૂર 1,122માંથી 342 ન્યાયાધીશોના પદો અને નીચલી અદાલતોમાં 30,868માંથી 7,311 પદો ખાલી છે.
સરકારે જણાવ્યું કે દેશભરમાં NDPS એક્ટ હેઠળ 3.96 લાખ ડ્રગ સંબંધિત કેસો પેન્ડિંગ છે. હાલ 65 ફાસ્ટટ્રેક કોર્ટ કાર્યરત હોવા છતાં કેસોનો ભાર યથાવત છે. સૌથી વધુ પેન્ડિંગ કેસ પંજાબ, કેરળ અને ઓડિશામાં નોંધાયા છે. હવે ડ્રગ કેસોના ઝડપી નિકાલ માટે વધુ ફાસ્ટટ્રેક કોર્ટ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.
નીટ પેપર લીક બાદ સરકારે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે વર્ષોથી અટવાયેલા સરકારી ભરતી પરીક્ષાના પેપર લીકના 158 કેસ પણ હવે ઝડપી સુનાવણી માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. કેટલાક કેસોમાં તપાસ વર્ષો પહેલા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી ટ્રાયલ શરૂ થઈ શક્યું નથી.
સરકારનું માનવું છે કે ન્યાયિક માળખું મજબૂત બનાવવાથી અને ફાસ્ટટ્રેક કોર્ટની સંખ્યા વધારવાથી પેન્ડિંગ કેસોના નિકાલમાં ઝડપ આવશે.








