પોલીસ દળના આધુનિકીકરણ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય; 13 હજારથી વધુ નવી ભરતી પ્રક્રિયામાં, AI આધારિત પોલીસિંગને મળશે વેગ
અમદાવાદ: રાજ્ય સરકારે ગુજરાત પોલીસને વધુ આધુનિક, સજ્જ અને કાર્યક્ષમ બનાવવા માટે વ્યાપક પોલીસ સુદૃઢીકરણ અભિયાન શરૂ કર્યું છે. માનવબળમાં મોટા પાયે વધારો, ટેકનોલોજી આધારિત પોલીસિંગ અને ટ્રાફિક, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ તથા કટોકટી પ્રતિસાદ માટે વિશેષ ટીમોની રચના જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ વિગતો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ડી.એન. રેની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકાર તરફથી રજૂ કરવામાં આવી હતી. સરકારના જણાવ્યા મુજબ ગૃહ વિભાગે પોલીસ દળની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે સમયબદ્ધ આયોજન અમલમાં મૂક્યું છે.
રાજ્યના 38 જિલ્લા અને શહેરોમાં 3,261 નવા ટ્રાફિક બ્રિગેડ જવાનોની નિમણૂક કરવામાં આવી છે. માત્ર અમદાવાદમાં જ 650 નવા ટ્રાફિક બ્રિગેડ કર્મચારીઓ ઉમેરવામાં આવ્યા છે. સાથે જ ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સ્માર્ટ બનાવવા માટે SVNIT, સુરતના સહયોગથી AI અને ડેટા આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવશે.
રાજ્ય સરકારે પોલીસ ભરતી અભિયાનને પણ વેગ આપ્યો છે. પ્રથમ તબક્કામાં 10,861 કોન્સ્ટેબલ અને 472 પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની પસંદગી પૂર્ણ થઈ છે. બીજા તબક્કામાં 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં 12,733 કોન્સ્ટેબલ અને 858 PSIની જગ્યાઓનો સમાવેશ થાય છે.
સરકારે વધારાની 2,109 કોન્સ્ટેબલ જગ્યાઓ પણ મંજૂર કરી છે. તેમાંમાંથી 2,000 જવાનોને ડાયલ-112 જનરક્ષક પ્રોજેક્ટ માટે તૈનાત કરવામાં આવશે, જ્યારે VISHWAS પ્રોજેક્ટ હેઠળ AI આધારિત સર્વેલન્સ અને અદ્યતન CCTV નેટવર્ક માટે વિશેષ માનવબળ ફાળવવામાં આવશે.
આ ઉપરાંત પ્રોસિક્યુશન અને ક્રાઇમ સેલને મજબૂત બનાવવા, ગંભીર ગુનાઓની તપાસ ઝડપી કરવા અને આતંકવાદ, સંગઠિત ગુના, માનવ તસ્કરી તથા સાયબર ગુનાઓ સામે વધુ અસરકારક કાર્યવાહી માટે વિશેષ કોન્સ્ટેબલ અને ટેકનિકલ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે.
રાજ્ય સરકારે નાર્કોટિક્સ નિયંત્રણ, સાયબર ક્રાઇમ, દરિયાકાંઠા સુરક્ષા અને AI આધારિત પોલીસિંગ પર વિશેષ ભાર મૂક્યો છે. સરકારનું માનવું છે કે આ સમગ્ર અભિયાનથી ગુજરાત પોલીસની કામગીરી વધુ આધુનિક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનશે તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ અસરકારક પરિણામો મળશે.








