ઓડિશા કિનારે અબ્દુલ કલામ દ્વીપ પરથી આધુનિક મિસાઈલ સિસ્ટમના પરીક્ષણની તૈયારી; અગ્નિ-6 હોવાની અટકળો
નવી દિલ્હી: ભારતીય સેનાની લાંબા અંતરની હુમલાખોર ક્ષમતા વધુ મજબૂત બનાવવા ભારત આગામી 5 અને 6 ઓગસ્ટે અત્યાધુનિક મિસાઈલ પરીક્ષણ કરવાની તૈયારીમાં છે. આ પરીક્ષણને ધ્યાનમાં રાખીને ભારતે હિન્દ મહાસાગરના 2,530 કિલોમીટર વિસ્તાર માટે NOTAM (Notice to Airmen) જાહેર કરીને તમામ વિમાનો અને હવાઈ સંચાલકોને સાવચેત રહેવા સૂચના આપી છે.
સત્તાવાર માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતીય નૌકાદળ દ્વારા સમુદ્ર આધારિત મધ્યમ અંતરની મિસાઈલ પ્રણાલીનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ દરમિયાન સમુદ્રમાંથી હવા તેમજ જમીન પર નિશાન સાધી શકે તેવી અદ્યતન મિસાઈલ ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે.
પરીક્ષણ માટે ઓડિશા કિનારા નજીક આવેલા અબ્દુલ કલામ દ્વીપ પરથી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આ વિસ્તાર દરમિયાન હવાઈ અને દરિયાઈ અવરજવર પર વિશેષ તકેદારી રાખવા માટે સંબંધિત એજન્સીઓને સૂચના આપવામાં આવી છે.
સુરક્ષા વિશ્લેષકોનું માનવું છે કે આ પરીક્ષણ અગ્નિ-6 બેલિસ્ટિક મિસાઈલ સાથે સંકળાયેલું હોઈ શકે છે. અગાઉ ભારતે અગ્નિ-6ને 10,000 કિલોમીટર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી અદ્યતન મિસાઈલ તરીકે વિકસાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. ભારત અગાઉ સફળતાપૂર્વક અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ પણ પૂર્ણ કરી ચૂક્યું છે.
ભારતની વધતી વ્યૂહાત્મક અને સંરક્ષણ ક્ષમતાના દૃષ્ટિકોણથી આ પરીક્ષણને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.









