સુરત શહેરમાં બપોર બાદ ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીને પગલે ફોસ્ટા (FOSTTA) એસોસિએશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વેપારીઓ, ગ્રાહકો અને કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આજે, 31 જુલાઈના રોજ સુરતની તમામ કપડાં માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ફોસ્ટા એસોસિએશન દ્વારા શહેરના તમામ વેપારીઓને તાત્કાલિક અસરથી માર્કેટ બંધ કરી સુરક્ષિત સ્થળે પહોંચવા સૂચના આપવામાં આવી છે. હવામાનની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, હવામાન વિભાગે સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા છે.
ફોસ્ટા એસોસિએશને તમામ વેપારીઓને સતર્ક રહેવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરી છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ગણાતી કપડાં માર્કેટ એક દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવાના નિર્ણયને વેપારી વર્તુળોમાં પણ સમર્થન મળ્યું છે.
હાલ તંત્ર દ્વારા શહેરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા તથા સલામતીના તમામ પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.








