સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે વરાછા, ઉધના સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને ઉધના રેલવે યાર્ડ અને લિંબાયતને જોડતું મહત્વપૂર્ણ ગરનાળું વરસાદી પાણીથી સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયું હતું. ગરનાળામાં અંદાજે અઢી ફૂટ જેટલું પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ગરનાળું તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું હતું. જેના કારણે વિકલ્પ માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું.

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેના પગલે તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે મનપાની ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें