દરોડામાં રૂ. 28 કરોડથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત; નોટ ગણવાના મશીનો પણ પડ્યા નિષ્ફળ
કોલકાતા: પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના દેવચા ગામમાં પોલીસ અને તપાસ એજન્સીઓએ મોટી કાર્યવાહી કરીને એક પૂર્વ સરકારી બસ ડ્રાઇવરના ઘરેથી રૂ. 28 કરોડથી વધુની રોકડ રકમ અને 15 કિલો સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલી રોકડ અને સોનાની કુલ કિંમત અંદાજે રૂ. 50 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે.
દરોડા દરમિયાન ઘરમાંથી 35 કોથળામાં ભરેલી રોકડ, એક કિલોની 14 સોનાની બાર અને 100-100 ગ્રામના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. રોકડની માત્રા એટલી વિશાળ હતી કે ગણતરી દરમિયાન નોટ ગણવાના પાંચ મશીનો પણ બંધ પડી ગયા, જ્યારે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવા માટે લોખંડના પાંચ મોટા ટ્રંક મંગાવવા પડ્યા હતા.
આ મામલે પોલીસે મીનાર મંડલ ઉર્ફે ટુલ્લુ મંડલ અને તેના પુત્રને કસ્ટડીમાં લીધા છે. મીનાર મંડલ અગાઉ નોર્થ બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો. નોકરી છોડ્યા બાદ તેણે પથ્થર અને રેતીના વેપારમાં પ્રવેશ કરીને ટૂંકા સમયમાં મોટું સામ્રાજ્ય ઉભું કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ મીનાર મંડલનું નામ અગાઉ પશુ તસ્કરી કેસમાં પણ સામે આવી ચૂક્યું છે અને વર્ષ 2022માં હત્યાના કેસમાં તેની ધરપકડ થઈ હતી. હાલ જપ્ત કરાયેલી સંપત્તિનો સ્ત્રોત, અન્ય મિલકતો અને સમગ્ર નાણાકીય નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








