1,050 બોટલ દારૂ સાથે ₹14.93 લાખનો મુદ્દામાલ જપ્ત; ચાર વોન્ટેડ બુટલેગરોના નામ ખુલ્યા
રાજકોટ: શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસનું મેગા અભિયાન યથાવત છે. ગેરકાયદેસર હથિયારો સામે મોટી કાર્યવાહી બાદ હવે શહેર પોલીસે બુટલેગરો સામે સખત ઝુંબેશ શરૂ કરી છે. એલસીબી ઝોન-1, એલસીબી ઝોન-2 અને વિવિધ પોલીસ સ્ટેશનની ટીમોએ અલગ-અલગ સ્થળોએ 8 દરોડા પાડી મહિલા સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે વધુ ચાર બુટલેગરો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે દરોડા દરમિયાન 1,050 બોટલ વિદેશી દારૂ, કાર, સ્કૂટર સહિત કુલ અંદાજે ₹14.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સૌથી મોટી કાર્યવાહી દરમિયાન એલસીબી ઝોન-1ની ટીમે આજીડેમ ચોકડી નજીક ક્રેટા કારમાંથી 444 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં કારચાલકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય સપ્લાયરનું નામ પણ ખુલ્યું છે.
એલસીબી ઝોન-2એ ભીલવાસ વિસ્તારમાં દરોડો પાડી 480 બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસમાં શહેરના કૂખ્યાત બુટલેગરોની સંડોવણી સામે આવતાં પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત શહેરના પ્ર.નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, થોરાળા અને એરપોર્ટ પોલીસ મથકોએ પણ અલગ-અલગ કાર્યવાહી કરીને દારૂ સાથે અનેક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મહિલા બુટલેગરની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ શહેરમાં દારૂના નેટવર્કને તોડવા માટે આગામી દિવસોમાં પણ આવી જ સઘન કાર્યવાહી ચાલુ રહેશે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે દારૂ સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.








