દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ લિક્વિડેશન પ્રક્રિયા શરૂ; UPI, QR, બિલ પેમેન્ટ સહિતની મોટાભાગની સેવાઓ પર કોઈ અસર નહીં
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ પેટીએમ પેમેન્ટ બેંકને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે, આ નિર્ણયની અસર પેટીએમ એપ પર નહીં થાય. પેમેન્ટ બેંક અને પેટીએમ એપની કામગીરી હવે અલગ હોવાથી સામાન્ય ગ્રાહકો માટે એપની મોટાભાગની સેવાઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના માર્ગદર્શન હેઠળ એસબીઆઈના ભૂતપૂર્વ અધિકારી ગિરીકુમાર એમ. નાયરને પેટીએમ પેમેન્ટ બેંકના લિક્વિડેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 8 જુલાઈ, 2026થી તેઓ બેંકની સંપત્તિ, નાણાકીય હિસાબ અને કાયદાકીય પ્રક્રિયાની જવાબદારી સંભાળશે.
ગ્રાહકો પર શું અસર પડશે?
• જમા રકમ સુરક્ષિત રહેશે: પેટીએમ પેમેન્ટ બેંકમાં જમા કરાયેલા ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. લિક્વિડેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગ્રાહકોને તેમની રકમ પરત મળશે.
• પેટીએમ એપ ચાલુ રહેશે: UPI પેમેન્ટ, QR કોડ સ્કેન, મોબાઇલ રિચાર્જ, બિલ પેમેન્ટ સહિતની સેવાઓ પર કોઈ અસર નહીં થાય.
• અન્ય સેવાઓ યથાવત: પેટીએમ સાઉન્ડબોક્સ, કાર્ડ મશીન, પેમેન્ટ ગેટવે, પેટીએમ ગોલ્ડ, પેટીએમ મની સહિતની તમામ સેવાઓ અગાઉની જેમ ચાલુ રહેશે.
• ફાસ્ટેગ અને વોલેટ: પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલા જૂના ફાસ્ટેગ અને વોલેટ અગાઉથી જ બંધ છે. જો તેમાં કોઈ બાકી રકમ હશે તો લિક્વિડેશન પ્રક્રિયા હેઠળ પરત કરવામાં આવશે.
• UPI વપરાશકર્તાઓ: જેમનું UPI અન્ય બેંક ખાતા સાથે જોડાયેલું છે તેમને કોઈ અસર નહીં થાય. પરંતુ જેમનું UPI સીધું પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલું છે તેમણે નવી બેંક સાથે UPI લિંક કરવું પડશે.
• રોકાણકારોને અસર નહીં: પેટીએમ પેમેન્ટ બેંક શેરબજારમાં લિસ્ટેડ કંપની નથી, તેથી આ નિર્ણયની સામાન્ય શેરધારકો અથવા રોકાણકારો પર સીધી અસર નહીં થાય.
પેટીએમએ સ્પષ્ટ કર્યું છે કે પેમેન્ટ બેંકની કામગીરી બંધ થવા છતાં ડિજિટલ પેમેન્ટ અને અન્ય કોમર્શિયલ સેવાઓ નિયમિત રીતે ચાલુ રહેશે, જેથી સામાન્ય ગ્રાહકોને દૈનિક વ્યવહારોમાં કોઈ મુશ્કેલી ન પડે.









